Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

ભરૂચની બે વિધાર્થીનીઓનું સીએ બનવાનું સ્વપ્ન સાકાર કરવામાં સુરતના પ્રોગ્રેસીવ મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સહયોગ અપાશે

PMET દ્વારા લેવાયેલ CA એડોપ્સન ટેસ્ટમાં ભરૂચની સાદીકા ભગત અને આતિકા જોખમા પાસ: રાજ્યમાંથી 274 વિધાર્થીઓમાંથી 123 ની પસંદગી

ભરૂચના પરીએજની બે મુસ્લિમ દીકરીઓના પરિવારની આર્થિક નબળી પરિસ્થિતિ વચ્ચે તેઓનું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાનું સ્વપ્ન સુરતની પ્રોગ્રેસીવ મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ સાકાર કરશે.

કેટલાય એવા વિધાર્થીઓ હોય છે જેઓ અભ્યાસમાં તેજસ્વી અને ઝળહળતા પરિણામ લાવતા હોય છે. જોકે પરિવારની આર્થિક સ્થિતિ સારી નહિ હોવાથી તેમણે પોતાના સ્વપ્નોને મારી અભ્યાસ અધૂરો છોડી દેવો પડે છે. તેમાં પણ મુસ્લિમ વિદ્યાર્થીની હોય તો તેને ઉચ્ચ ભણતર માટે આર્થિક અસમર્થ પરિવાર ભાર વહન કરી શકતી નથી.

આવી જ કઈ સ્થિતિ હતી ભરૂચના પરીએજ ગામની બે મુસ્લિમ દીકરીઓ સાદીકા અબ્દુલહક ભગત અને આતિકા અબ્દુલ જોખમાની. જેઓના હાલમાં જ 12 કોમર્સના પરિણામમાં 80 ઉપર ટકા આવ્યા હતા. આગળ બન્ને છાત્રાઓનું C.A. બનવાનો ધ્યેય હતો. જેને પરીએજની સ્કૂલ, ગ્રામજનો, વર્લ્ડ ભરૂચી વ્હોરા ફેડરેશન, મુન્શી સ્કૂલ અને ખાસ કરીને સુરતની પ્રોગ્રેસીવ એજ્યુકેશન ટ્રસ્ટે સાકાર કર્યો છે.

મુન્સી સ્કૂલે સી.એ. ની પરીક્ષાની તૈયારી માટે એક મહિના સુધી રોજ 6 કલાકનું કોચિંગ આપ્યું હતું. ગત 8 જૂન ના રોજ PMET એ સી.એ. એન્ટ્રન્સ એક્ઝામ માટે એડોપ્સન ટેસ્ટ લીધો હતો. આ પરીક્ષામાં ગુજરાતભરમાંથી 274 વિધાર્થીઓ બેઠા હતા. જેમાં 123 ઇન્ટરવ્યૂ માટે પસંદગી પામ્યા હતા. જે પૈકી PMET ના સી.એ. એડોપ્સન માટે પસંદ પામેલા 62 છાત્રોમાં ભરૂચની સાદીકા અને આતિકા પણ સિલેક્ટ થઈ છે. હવે આ સંસ્થા બન્ને છાત્રોનો ચાર્ટડ એકાઉન્ટન્ટનો તમામ ખર્ચ ઉપાડશે. અને તેમની સી.એ. બનવાની મહેચ્છાને પરિપૂર્ણ કરશે.

બન્ને મુસ્લિમ વિદ્યાર્થીનીઓ તેઓનું સી.એ. બનવાનું સ્વપ્ન પરીએજ શાળા, ગ્રામજનો, વર્લ્ડ ભરૂચી વ્હોરા ફેડરેશન, PMET થકી હવે હકીકત બનવા જઈ રહ્યું હોય જેને લઈ હાલ ખૂબ જ ખુશખુશાલ છે.

(7:43 pm IST)