Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

ભરૂચના ભઠીયારવાડ અને કસાઈવાડ વિસ્તારમાંથી ગૌમાંસ વેચતા 6 ઝડપાયા: 875 કિલો જથ્થો જપ્ત

સેમ્પલ લઈ FSL માં મોકલાતા ગૌમાંસ ફલિત થતા બી ડિવિઝન પોલીસે 6 કસાઈઓ સામે ગુનો દાખલ કર્યો: પોલીસ અને પાલિકા દ્વારા તમામ કસાઈની દુકાનો કરાશે સીલ

ભરૂચ શહેરમાં નોનવેજ આરોગતા લોકો માટે લાલબત્તી સમાન ઘટના સામે આવી છે. મટનના નામે તમને ગૌમાંસ તો આપવામાં આવી રહ્યું નથી ને. ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને બી ડિવિઝન પોલીસે શહેરના ભઠિયારવાડ અને કસાઈવાડમાં પાડેલા દરોડામાં 6 કસાઈઓ ગૌમાંસનું વેચાણ કરતા ઝડપાઇ ગયા છે. પોલીસે 6 આરોપીઓ સામે ગુનો દાખલ કરી 860 કિલો ગૌમાંસ જપ્ત કર્યું છે.

ભરૂચ શહેરના ભઠીયારવાડ કસાઈ વાડમાં ગેરકાયદેસર ગૌવંશની કતલ કરી વેચાણ કરતા કસાઈઓનો પર્દાફાશ કરી પોલીસે વિપુલ પ્રમાણમાં ગૌમાંસનો જથ્થો કબ્જે કરી 6 કસાઈઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ શહેરના ભઠીયારવાડ કસાઈ વાડમાં કેટલાક કસાઈઓ ગૌ માસનું વેચાણ કરે છે. જેવી બાતમીના આધારે ભરૂચ LCB એ દરોડા પાડ્યા હતા. સાથે બી ડિવિઝન પોલીસ પણ જોડાઈ હતી. આ રેડના લાઈવ દ્રશ્યો પણ સામે આવ્યા છે.

પોલીસના દરોડાને પગલે વિસ્તારમાં નાસભાગ મચી જવા પામી હતી. પોલીસે ભઠીયારવાડમાં રહેતા કસાઈ સાદ્દીક કુરેશી પાસેથી 40 કિલો ગૌમાંસ ઝડપી પાડ્યું હતું. જયારે ઉવેશ ઉસ્માન કુરેશી પાસેથી 90 કિલો, અનવર હુસેન ઈ બ્રાહિમ કુરેશી પાસેથી 10 કિલો, ઈમરાન નાઝીમ કુરેશી પાસેથી 90 કિલો અને અલ્લારખાં નુરમહંમદ કુરેશી પાસેથી 80 કિલો તેમજ રજા મસ્જિદ પાસે જાહેરમાં કેરેટમાંથી બિનવારસી 20 કિલો, મુર્તુઝ કુરેશી પાસેથી 530 મળી કુલ 875 કિલો ગૌમાંસનો જથ્થો કબ્જે કરાયો હતો. જ્યારે નૂર મહંમદ કુરેશી નામના આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

તેના સેમ્પલ લઈ FSL માં મોકલ્યા હતા.જેમાં આ તમામ જથ્થો ગૌમાંસ હોવાનો અભિપ્રાય આવતા બી ડિવિઝન પોલીસે 6 કસાઈઓ વિરુદ્ધ પશુ સંરક્ષણ સુધારા અધિનિયમની કલમ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલ દ્વારા જિલ્લામાં ગેરકાયદે ગુનાહિત પ્રવૃતિઓ અટકવવા હેતુથી સુચના આપતા ભરૂચ LCB ટીમે શહેરમાં ગેરકાયદે ગૌમાંસ વેચાણ કરતા 6 ઈસમોને ઝડપી પાડતા ખળભળાટ મચી ગયો છે.

ભરૂચ નગર પાલિકા તેમજ શહેર બી ડીવીઝન પોલીસ દ્વારા આવી અસામાજિક પ્રવૃત્તિવાળી દુકાનોને સીલ મારવા માટે તજવીજ હાથ ધરવામાં આવનાર છે. ભવિષ્યમાં કોઈ આવું કૃત્ય ન કરે તે માટે પોલીસ કટિબદ્ધ રહી તપાસ અને દરોડાનો દોર કાર્યરત રાખશે.

(8:31 pm IST)