Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

વાવડી રાજપીપળા બાયપાસ રોડ પર સંપાદિત જમીનોનું યોગ્ય વળતર ચૂકવવા ખેડૂતોએ માર્ગ મકાન મંત્રી પૂર્ણેશ મોદીને રજૂઆત કરી

ભદામથી વાવડી રાજપીપલા બાયપાસ રોડ માં સંપાદિત જમીનો ને 100-થી 1200 રૂપિયા સ્કવેર ફુટ પર વળતર ચૂકવવા સ્થાનિક ખેડૂતોની માંગ : માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીને કરી લેખિત રજૂઆત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપલા બાયપાસ રોડને લઈને હવે ખેડૂતોની ચિંતા વધી રહી છે. એક બાજુ સ્ટેચ્યુ ઓફ યુનિટી બનતા નર્મદા જિલ્લાની જમીનોના રાતોરાત ભાવો ઉચકાઈ ગયા છે ત્યારે બાયપાસ રોડમાં જતી જમીનોના ભાવો જો સરકાર નીચા અપાશે અને સોનાની લગડી જેવી જમીનોને સરકાર ચાંદીના ભાવે લઇ લેશે એવી બીક તમામ ખેડૂતોમાં સતાવી રહી છે. બીજી બાજુ ઉત્તર ગુજરાત હોય કે અમદાવાદ સુરત વલસાડ વિસ્તારોમાં હાઇવે કે રેલ લાઈન બને ત્યારે ત્યાંના ખેડૂતોને સરકાર ઉંચા ભાવ આપે છે અને ભરૂચ નર્મદા ના ખેડૂતોને નીચા ભાવ આપે છે એવી પરિસ્થિતિ તાજેતરમાં બની છે એટલે સરકાર જમીન સંપાદિત કરે એ પહેલા જ પોતાના જમીનોના ભાવ નક્કી કરી સરકારમાં આપવા નર્મદા જિલ્લાના સ્થાનિક ખેડૂતોએ રાજપીપલા સર્કિટ હાઉસ ખાતે આવેલ  રાજ્યના માર્ગ અને મકાન મંત્રી પુર્ણેશભાઈ મોદીને લેખિત આવેદન પત્ર આપીને રજૂઆત કરી હતી
ખેડૂતોની રજૂઆતમાં એવો ઉલ્લખે છે કે હાલ નર્મદા જિલ્લાની કોઈ પણ જમીનોના ભાવ 1000થી 1200 સ્કવેર ફુટ નો ભાવ છે. જયારે ભદામ ચિત્રવાડી, રાજપીપલા, વડિયા, વાવડીથી પસાર થતો હાઇવેમાં જે જમીનો ખેડૂતોની જવાની તે ખુબ કિંમતી છે. જેતે ખેતર પર ખેતી કરીને ખેડૂતો જીવન ગુજારતા હોય જો સંપાદનમાં ખેતર જતું રહેશે તો ખેડૂતોની પરિસ્થિતિ ખુબ ખરાબ થશે એટલે રાજપીપલા બાયપાસ રોડમાં જેટલી જમીન જાય તેની કિંમત સરકાર 1000 થી 1200 રૂપિયા સ્કવેરફૂટ નો ભાવ આપે એવી માંગ કરી છે.

(10:50 pm IST)