Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

આજે અમદાવાદમાં 45 હજાર લોકોને વેકસીન આપવાનો ટાર્ગેટ

આ પહેલા મંગળવારે શહેરમાં સૌથી વધુ રેકોર્ડબ્રેક 44,819 નાગરિકોને રસી અપાઈ હતી

અમદાવાદ : કોરોનાની ત્રીજી લહેર આવતા પહેલા લોકો પણ તકેદારીના પગલા રૂપે રસી લઇ રહ્યાં છે. ત્યારે આજે શહેરમાં વહેલી સવારથી કોરોનાની રસી લેવા માટેની લાંબી લાંબી લાઇનો જોવા મળી રહી છે. આજે શહેરમાં 45 હજાર લોકોને રસી આપવાનું ટાર્ગેટ છે. ત્યારે મંગળવારે પણ શહેરમાં સૌથી વધુ રેકોર્ડબ્રેક 44,819 નાગરિકોને રસી આપવામાં આવી હતી.

આજે અમદાવાદ 45 હજાર લોકોને વેકસીન આપવાનો ટાર્ગેટ છે. જેના કારણે અમદાવાદના વેકસીન સેન્ટર પર કામગીરી શરૂ થાય તે પહેલા જ લોકોની લાંબી કતારો જોવા મળી હતી. પહેલો અને બીજો ડોઝ લેવા લોકો વહેલી સવારથી લાંબી લાઈનોમાં ઉભા છે. સાથે સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવીને ઉભા દેખાઇ રહ્યાં છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, 3 જુલાઈનાં રોજ 44,540ને રસી આપવામાં આવી હતી. ત્યાર બાદ રસીકરણમાં ક્રમશ: ઘટાડો થયો હતો. જો આ રીતે વેક્સિનેશનની પ્રક્રિયા ચાલુ રહે તો 2થી 3 મહિનામાં 100 ટકા નાગરિકોને પ્રથમ ડોઝ મળી જશે. મંગળવારે 44,819ને રસી અપાઈ હતી, જેમાં 23,980 યુવાનોનો સમાવેશ થાય છે. શહેરમાં અત્યારસુધીમાં 3428627ને રસી અપાઈ છે, જેમાં 26.97 લાખે પ્રથમ અને 7.31 લાખને બીજો ડોઝ અપાયો છે.

(11:08 am IST)