Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

વલસાડનાં મધુબન ડેમના 9 દરવાજા ખોલાયા નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ

ડેમમાંથી દર કલાકે 1 લાખથી વધુ ક્યૂસેક પાણી છોડાયું :ડેમમાંથી પાણી છોડાતા દમણગંગા નદીમાં ધોડાપૂર

વલસાડ જિલ્લામાં અને ઉપરવાસમાં છેલ્લા 5 દિવસથી ભારે વરસાદ ખાબકી રહ્યો છે. જેના કારણે મધુબન ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાયો છે. પાણીની આવકને કારણે મધુબન ડેમના 9 દરવાજા 5 મીટર સુધી ખોલાયા હતા. 21 જુલાઇથી 22 જુલાઈની સવારના 5 વાગ્યા સુધી ડેમમાંથી દર કલાકે 1 લાખથી વધુ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું. ડેમમાંથી પાણી છોડાતા દમણગંગા નદીમાં ધોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. દમણમાં 21 જુલાઇની રાતે ભયનો માહોલ છવાયો હતો.

  ડેમમાં પાણીની આવક થતા ડેમના 9 દરવાજા ખોલીને 1.43 લાખ ક્યૂસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું હતું. જેના કારણે દમણ વિસ્તારના નીચાણવાળા વિસ્તારોમાં પોલીસ અને તંત્ર સતર્ક થઇ ગયા હતા અને તેમના દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. જોકે, સવારે છ વાગ્યાની આસપાસ ડેમની સપાટીમાં થોડો ઘટાડો થયો હતો. ડેમની સપાટી 72.90ની આસપાસ પહોંચી છે. ડેમમાં 43247 ક્યૂસેક પાણીની આવક છે જ્યારે 1.34 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

(11:49 am IST)