Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

છત્રીના વેપારીઓ માટે દુઃખમાં અધિક માસઃ એક તો કોરોના અને ઉપરથી ચોમાસુ પાછું ઠેલાયુ

કોરોના મહામારીને કારણે રાજયમાં છત્રીનો વેપાર મોટા પ્રમાણમાં પ્રભાવિત થયો

અમદાવાદ, તા.૨૨: કોરોના મહામારીને કારણે રાજયમાં છત્રીના ઉત્પાદકો અને વિક્રેતાઓએ મોટું નુકસાન ઉઠાવવું પડ્યું છે. સતત બીજા વર્ષે કોરોના મહામારીને કારણે આ ક્ષેત્રના વેપારીઓએ નુકસાન વેઠવું પડી રહ્યું છે. છત્રીના ઉત્પાદકો અને વિક્રેતાઓનું કહેવું છે કે, કોરોનાની સાથે સાથે રાજયના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસુ પાછું ઠેલાયુ હોવાને કારણે છત્રીનું વેચાણ દ્યણું પ્રભાવિત થયું છે.

રાજયમાં ૨૦થી ૨૫ છત્રી ઉત્પાદકો છે જેમનો કોરોના મહામારી પહેલા સામુહિક ટર્નઓવર ૨૫ કરોડ રુપિયા હતો. અમદાવાદના એક ૪૭ વર્ષીય છત્રી ઉત્પાદક કલ્પેશ ડબગર જણાવે છે કે, ગયા વર્ષે છત્રીનું ઉત્પાદન લગભગ નહિવત્ત હતુ, આ વર્ષે પણ છત્રીઓનું માત્ર ૩૦ ટકા જ ઉત્પાદન થયું છે. કલ્પેશ જણાવે છે કે, શાળાઓ અને કોલેજો બંધ છે અને લોકો પોતાના ઘરેથી કામ કરી રહ્યા છે. વધુમાં આ વર્ષે ચોમાસુ પાછુ ઠેલાયુ છે. આ તમામ પરિબળોને કારણે છત્રીનું વેચાણ મોટા પ્રમાણમાં પ્રભાવિત થયું છે.

ઉલ્લેખનીય છે કે મોટા ભાગના વેપારીઓ માર્ચ અને જૂન દરમિયાન ઉત્પાદકો પાસેથી છત્રી ખરીદતા હોય છે. જયેશ ડબગરનો પરિવાર દશકાઓથી છત્રીના વેપાર સાથે સંકળાયેલો છે. તેઓ જણાવે છે કે, રીટેલ માર્કેટમાં છત્રીનું વેચાણ લગભગ ઝીરો છે. ગયા વર્ષે પણ આખી સીઝન નિષ્ફળ રહી હતી. સામાન્યપણે જે સમયગાળા દરમિયાન વેપારીઓ ઉત્પાદકો પાસેથી છત્રીનો માલ ખરીદતા હોય છે તે સમયે કોરોનાની બીજી લહેર ચાલી રહી હતી. અધુરામાં પુરુ ચોમાસુ પાછુ ઠેલવાયુ હોવાને કારણે સ્ટોક પણ નથી વેચાય રહ્યો.

(3:55 pm IST)