Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

વલસાડના મધુબન ડેમમાં પાણીની આવકમાં વધારો થાય ૯ દરવાજા ૪ મીટર ખોલાયાઃ હેઠવાસના લોકોને એલર્ટ કરાયા

દમણગંગા નદીમાં ઘોડાપુરની સ્‍થિતિ સર્જાઇ

વલસાડ : વલસાડના મધુબન ડેમમાં પાણીની આવકમાં વધારો થતા લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમના 9 દરવાજા 4 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી પાણી છોડાતા દમણગંગા નદીમાં ઘોડાપુરની સ્થિતિ જોવા મળી હતી. જેના કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. જો કે, આજે બપોરે 12 વાગ્યાની સ્થિતિ પ્રમાણે ડેમના 7 દરવાજા 2 મીટર ખોલાયા છે અને 51 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

મધુબન ડેમની સપાટી રાત્રિ 3 વાગ્યાની આસપાસ 73.70 મીટર નોંધાઈ હતી. નદીમાં 1.43 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું, જેના કારણે દમણના નીચાણવાળા વિસ્તારોમાં પોલીસ અને તંત્ર દ્વારા સતત પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું હતું અને લોકોને સાવચેત રહેવા માટેની સૂચનાઓ આપવામાં આવી રહી હતી. જયારે આજે પણ 1.34 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ડેમમાંથી પાણી છોડાતાં નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો હતો, જેને લઇને દમણ વહીવટી તંત્રએ પાલિકા અને ગામડાના નીચાણવાળા વિસ્તારોમાં સ્થાનિકોને અલર્ટ કર્યા હતા, જેને કારણે દમણના લોકો આખી રાત જાગ્યા હતા. તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું હતું, સાથે જ વલસાડ જિલ્લાનું વહીવટી તંત્રની ટીમ પણ ખડે ​​​​પગે હતી અને નીચાણવાળા વિસ્તારમાં લોકોને સાવચેત કરી રહી હતી. જો સ્થળાંતર કરવાની સ્થિતિ ઊભી થાય તો લોકોને રાખવા માટે પ્રાથમિક શાળામાં શેલ્ટર હોમ બનાવવામાં આવ્યા છે. વલસાડમાં એક એનડીઆરએફ અને દમણ સેલવાસમાં ડિઝાસ્ટરની ટીમ તહેનાત કરવામાં આવી હતી.

તંત્ર દ્વારા દરિયાની ભરતીના સમયને ધ્યાનમાં રાખીને ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે, જેને લઇને દમણગંગા નદી કિનારે આવેલાં ગામોમાં કોઇ વિકટ પરિસ્થિતિ ન સર્જાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ માટે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર, સંઘ પ્રદેશ દાદરા અને નગર-હવેલી અને દમણના વહીવટી તંત્રએ સતત 22 કલાક સુધી સંકલન કર્યું હતું.

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના નાનગામથી મોહનાકાવચાલી ,ચીચપાડા, માની, ટોકરખાડા ,પાંચવેરા થઈ બુરપડાથી નાસિકને જોડતો બ્રિજ ઉપરવાસના વરસાદને કારણે ધોવાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરવાસના વરસાદનું પાણી પાર નદી ઉપર આવેલો બ્રિજ રેલના પાણીમાં ધોવાઈ ગયો હતો. સતત 5 દિવસથી ઉપરવાસમા પડી રહેલા વરસાદ ને કારણે મોહનાકાવચાલી અને નાનગામનો કોઝવે હજી પણ ડૂબાણમાં છે. જોકે આ રસ્તો 8 થી 10 ગામના લોકો જે મહારાષ્ટ્રની બોર્ડર પર વસવાટ કરે છે જેઓ ઉપયોગ મા લે છે. ભારે વરસાદ ને કારણે બ્રિજ ધોવતા લોકો મૂશેકલી મા મુકાયા છે

(6:48 pm IST)