Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

ચીખલી નજીક બાઈક ચોરીની ઘટનામાં ડાંગના બે શકમંદ આદિવાસી યુવાને ફાસો ખાઈ મોતને વ્હાલું કરતા ચકચાર

ચીખલી:ચીખલી પોલીસે બાઇક ચોરીની ઘટનામાં ડાંગના બે શકમંદ આદિવાસી યુવાનને પુછપરછ માટે ઉંચકી લાવી હતી બંને યુવાને પોલીસ સ્ટેશનના કોમ્પ્યુટર રૃમમાં પંખા સાથે વાયર બાંધી ગળે ફાંસો ખાઇ  આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. જેને પગલે સમગ્ર જિલ્લાનું પોલીસ તંત્ર દોડતું થઇ ગયું છે.

ચીખલી પોલીસે બાઇક ચોરીના કેસમાં બે શકમંદ સુનિલ ઉર્ફે લાલુ સુરેશભાઈ પવાર (...૧૯, રહે,દોડીપાડા તા.વઘઈ, જિ.ડાંગ) અને રવિ સુરેશભાઈ જાદવ (...૧૯, રહે.નાકા ફળિયા, વઘઈ, જિ.ડાંગ)ને પુછપરછ માટે ઉંચકી લીધા હતા. બંને શકમંદને ચીખલી પોલીસ સ્ટેશનના પોસઈની ચેમ્બરની બાજુમાં આવેલા કોમ્પ્યુટર રૃમમાં રાખવામાં આવ્યા હતા. દરમિયાન બુધવારે વહેલી સવારે પાંચથી આઠ વાગ્યાના સમય દરમિયાન બંને યુવાને કોમ્પ્યુટરના અને ઈલેકટ્રીક સગડીના વાયરો વડે પંખા ઉપર લટકી જઈને ગળે ફાંસો ખાઈ લેતા ચકચાર મચી છે. સમગ્ર ઘટનાની જાણ ઉચ્ચ પોલીસ અધિકારીઓને કરાતા જિલ્લા પોલીસ વડા રૃષિકેશ ઉપાધ્યાય સહિત એલસીબી અને એસઓજીની ટીમ ચીખલી પોલીસ સ્ટેશન ખાતે દોડી આવી હતી. ઘટનાની જાણ વાયુવેગે ચીખલી પંથકમાં થતાં ભાજપ-કોગ્રેસના ધારાસભ્યો, આદિવાસી સેના, બીટીટીએસના હોદ્દેદારો અને આગેવાનો ચીખલી પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યા હતા. ડીએસપી રૃષિકેશ ઉપાધ્યાયે આદિવાસી યુવાનોના મોતની તપાસમાં કોઈ કચાસ રાખવામાં નહીં આવે અને કસુરવારોને યોગ્ય નસીયત કરવામાં આવશે તેમ જણાવ્યું હતુ.

(7:20 pm IST)