Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

જુની વીએસને 100 કરોડથી વધુના ખર્ચે નવી બનાવાશે : અમદાવાદ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નિર્ણય

વીએસ હોસ્પિટલના નવીનીકરણ માટે 100 કરોડ રૂપિયાની જોગવાઇ

અમદાવાદ : અમદાવાદ મનપાની મળેલી સ્ટેન્ડિગ કમિટીમાં જૂની વીએસ હોસ્પિટલને હવે નવીનીકરણ કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. જુની વીએસને રૂ. 100 કરોડથી વધુના ખર્ચે નવી બનાવવામાં આવશે. જો કે, પહેલા જે સારવાર જૂની VS હોસ્પિટલમાં કરવામાં આવતી હતી તે તમામ સારવાર હવે નવી વીએસ બનશે તો તેમાં કરવામાં આવશે.

આ અંગે સ્ટેન્ડીગ કમિટિ ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે, વર્ષ 2020-21ના બજેટમાં VS હોસ્પિટલનું નવીનીકરણ માટે રૂ. 100 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. જેથી આજે સ્ટેન્ડિગ કમિટિના સભ્યો દ્વારા આ મામલે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કમિશ્નરે વર્ષ 2021-22 નું 7475 કરોડનું બજેટ રજૂ કર્યું હતું. જેમા વીએસ હોસ્પિટલના નવીનીકરણ માટે 100 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી હતી જ્યારે 115 કરોડ રૂપિયા એલજી હોસ્પિટલના નવીનીકરણ માટે ફાળવવામાં આવ્યા હતા અને 95 કરોડ શારદા હોસ્પિટલના નવીનીકરણ માટે ફાળવવામાં આવ્યા હતા. મ્યુનિ. કમિશનરે રજૂ કરેલા અંદાજપત્રમાં વીએસ, શારદાબેન અને એલજી હોસ્પિટલના નવીનીકરણ સાથે 11 નવા અર્બન હેલ્થ સેન્ટર બનાવવાનું આયોજન છે, જેની પાછળ 345 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે.

વીએસ હોસ્પિટલનું બજેટ રજૂ કરતાં પહેલા ટ્રસ્ટ પાસેથી ખર્ચ સહિતની વિગતો મંગાવાતી હોય છે. ટ્રસ્ટ દ્વારા પાસ થતું બજેટ સીધું સ્ટેન્ડિંગમાં અને ત્યાંથી સુધારા અને મંજૂરી બોર્ડ સમક્ષ મુકાયું હતું. પરંતુ આ વખતે કમિશનરે પોતાની રીતે 100 કરોડની જોગવાઈ કરી છે.

(9:09 pm IST)