Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

પેટ્રોલ-ડિઝલ પર હાલ વેટ નહીં ઘટાડાય : નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ

રાજ્યમાં પણ પેટ્રોલ-ડિઝલના ભાવ સદી ભણી : રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ હાલમાં સરકાર દ્વારા આવી કોઈપણ વિચારણા હોવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો

ગાંધીનગર, તા.૨૨ : પેટ્રોલ-ડીઝલના ભાવ ગુજરાતમાં પણ સેન્ચ્યુરી મારવાની તૈયારીમાં છે. જોકે, સરકારનું વેટના દરમાં ઘટાડો કરી પ્રજાને રાહત આપવાનું હાલ કોઈ આયોજન નથી. ડે. સીએમ નીતિન પટેલે આ મામલે આજે જણાવ્યું હતું કે હાલ સરકારની આવી કોઈ વિચારણા નથી. પરંતુ જો અન્ય રાજ્યો આ દિશામાં પહેલ કરશે તો રાજ્ય સરકાર વિચાર કરશે. નીતિન પટેલે એવો દાવો પણ કર્યો હતો કે હાલ દેશના મોટા રાજ્યોમાં ગુજરાત પેટ્રોલ અને ડીઝલ પર સૌથી ઓછો વેટ લે છે. જેના કારણે અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત પ્રમાણમાં ઓછી છે.

અમદાવાદમાં પેટ્રોલનો આજનો ભાવ ૯૮.૫૯ રુપિયા પ્રતિ લિટર ચાલી રહ્યો છે. જોકે, બ્રાન્ડેડ પેટ્રોલ તો રાજ્યના તમામ શહેરોમાં ક્યારનુંય ૧૦૦ રુપિયાની સપાટી વટાવી ચૂક્યું છે. જ્યારે ડીઝલનો ભાવ ૯૬.૭૬ રુપિયા પ્રતિ લિટર છે. જે રીતે પેટ્રોલ અને ડીઝલની કિંમતો વધી રહી છે, તેને જોતા ગણતરીના દિવસોમાં જ પેટ્રોલ સેન્ચ્યુરી મારશે તેવી લોકમુખે ચર્ચા ચાલી રહી છે. પેટ્રોલના ભાવોમાં થયેલા ભડકાને કારણે મધ્યમ વર્ગના બજેટ ખોરવાયા છે, અને તેના કારણે મોંઘવારીએ પણ માઝા મૂકી છે.

રાજ્યમાં છેલ્લે જૂન ૨૦૨૦માં પેટ્રોલ અને ડીઝલ પર લાગતા વેટમાં વધારો કરવામાં આવ્યો હતો. હાલ રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલ પર ૧૭ ટકા વેટ તેમજ ચાર ટકાના દરે સેસ વસૂલવામાં આવે છે. વેટની રકમ પેટ્રોલ-ડીઝલની મૂળ કિંમતના આધારે નક્કી થતી હોય છે. દા.ત. જો એક લિટર પેટ્રોલની મૂળ કિંમત ૪૦ રુપિયા હોય તો તેના પર ૧૭ ટકા વત્તા ૪ ટકાના દરે વેટ અને સેસ વસૂલાય છે. જેમ-જેમ મૂળ કિંમત વધે તેમ-તેમ આ રકમ પણ વધતી રહે છે, અને તેના કારણે વેટનો દર વધાર્યા વિના જ સરકારની આવક પણ વધતી રહે છે. સરકારના આવકના સ્રોતની વાત કરવામાં આવે તો પેટ્રોલ-ડીઝલ પર લાગતા વેટ અને સેસથી ગુજરાત સરકારને સૌથી વધારે આવક થાય છે. એક અંદાજ અનુસાર, રાજ્ય સરકાર આ સ્રોત દ્વારા રોજની ૩૪ કરોડ રુપિયા જેટલી માતબર આવક પ્રાપ્ત કરે છે. ખુદ ડે. સીએમ અને નાણાં વિભાગનો હવાલો ધરાવતા નીતિન પટેલે જ ગત સત્રમાં વિધાનસભામાં જણાવ્યું હતું કે, સરકાર પેટ્રોલ પર લાગતા વેટ અને સેસ દ્વારા મહિનામાં ૩૪૨.૨૦ કરોડ રુપિયા અને ડીઝલ પર ૧૧૧૧.૨૧ કરોડ રુપિયાની આવક પ્રાપ્ત કરે છે.

(9:13 pm IST)