Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

લવ જેહાદમાં પોલીસે તેના પર થયેલા આક્ષેપો ફગાવ્યા

લવ જેહાદમાં પહેલી ફરિયાદનો વિવાદ : FIRમાં દુષ્કર્મ, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય અને ધર્માંતરણના આરોપ લગાવાયા, પતિ સાથે સમાધાન બાદ ફરી ગઈ

અમદાવાદ, તા.૨૧ : સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનારા વડોદરાના લવ જેહાદના કેસમાં પોલીસે પોતાના પર થયેલા આક્ષેપ ફગાવી દીધા છે. ગુજરાત હાઈકોર્ટને ફરિયાદીએ જણાવ્યું હતું કે વડોદરાની પોલીસે કેસમાં રેપ, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય અને ધર્માંતરણ વિરોધી કાયદાનો ભંગ થતો હોવાની કલમો લગાડી દીધી હતી.

ફરિયાદીએ દાવો કર્યો હતો કે તે તો માત્ર ડોમસ્ટિક વાયોલન્સની ફરિયાદ નોંધાવવા ગઈ હતી. બીજી તરફ, મામલે રાજ્ય સરકારે હાઈકોર્ટને જણાવ્યું હતું કે, ફરિયાદી યુવતી દ્વારા પોલીસ અધિકારીઓ સામે કરાયેલા આક્ષેપ સાચા નથી. સૂત્રોનું માનીએ તો, પોલીસનું એવું કહેવું છે કે, એફઆઈઆરમાં નોંધવામાં આવેલા બળાત્કાર, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય અને બળજબરીપૂર્વક ધર્માંતરણના આરોપ ફરિયાદીએ લગાવ્યા હતા. જોકે, હવે ફરિયાદી પતિ સાથે સમાધાન થઈ જતાં પોતાની ફરિયાદ રદ કરાવવા માગે છે.

જૂન મહિનામાં વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનમાં મામલે ફરિયાદ નોંધાયા બાદ યુવતીએ નવા આરોપો સાથે લેખિત નિવેદન આપ્યું હતું. જેના આધાર પર એફઆઈઆરમાં થોડા દિવસો બાદ નવા આરોપ ઉમેરવામાં આવ્યા હતા. પીડિતાએ ડૉક્ટર સમક્ષ જે કેસ હિસ્ટ્રી જણાવી હતી તેને પણ કોર્ટ સમક્ષ રજૂ કરી હતી.

વધુમાં, પીડિતા પોતાનું નિવેદન કલમ ૧૬૪ હેઠળ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ પણ આપી ચૂકી છે. જેથી, પોલીસ સામે તેણે જે પણ આરોપ મૂક્યા છે તે પાયાવિહોણા અને ટકી શકે તેમ નથી. ગુજરાતમાં એન્ટી લવ જેહાદ કાયદો લાગુ કરાયો ત્યારબાદ તેના હેઠળ સૌ પહેલી ફરિયાદ વડોદરામાં નોંધાઈ હતી.

જોકે, ફરિયાદ નોંધાઈ ગયા બાદ ફરિયાદીએ પોલીસ પર કરેલા આક્ષેપોથી તેમાં નવો ટ્વીસ્ટ આવ્યો છે. હવે પીડિતા કહી રહી છે કે, તેના પર કોઈ પ્રકારની જોર જબરજસ્તી નથી થઈ. તે તો માત્ર ડોમેસ્ટિક વાયોલન્સની ફરિયાદ નોંધાવવા ગઈ હતી. મામલે થયેલી એફઆઈઆર રદ કરવાનો કેસ હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે. કોર્ટ ૨૯ સપ્ટેમ્બરના રોજ તેના પર વધુ સુનાવણી કરશે.

(9:28 pm IST)