Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

અમદાવાદ જિલ્લા પંચાયતમાં સતા ભાજપની અને પ્રમુખ કોંગ્રેસી : ભાજપના હોદેદારોની સાયરનવાળી કારની માંગ

તાજેતરની કારોબારી સમિતિની બેઠકમાં આ મુદ્દે ચર્ચા પણ થઇ

અમદાવાદ જિલ્લા પંચાયતમાં સત્તા ભાજપની છે અને પ્રમુખ કોંગ્રેસના છે. પંચાયતી નિયમ મુજબ માત્ર પ્રમુખને જ સરકારી સાયરનવાળી કાર મળી શકે છે. આમ છતાં ભાજપના કેટલાક હોદ્દેદારોએ કાર લેવા માટે માગણી કરી છે. તાજેતરની કારોબારી સમિતિની બેઠકમાં આ મુદ્દે ચર્ચા પણ થઇ હતી. જોકે આ બાબતે સમિતિના ચેરમેને ચુપકીદી સેવી હતી, પરંતુ અન્ય એક સભ્યએ કહ્યું કે, ચેરમેનો સરકારી કાર માટે વલખાં મારે છે.

જિલ્લા પંચાયતમાં ભાજપની સત્તા આવી ત્યારથી વિવાદો વકર્યા છે. સત્તાપક્ષના હોદ્દેદારો સબસલામત હોવાનો દાવો કરે છે. પરંતુ હકીકત કંઇ અલગ છે. આઇકાર્ડ, ગ્રાન્ટ અને હવે ભાજપના હોદ્દેદારો આર્થિક રીતે સક્ષમ હોવા છતાં સાયરનવાળી કાર માગે છે.

ભાજપના હોદ્દેદારે કહ્યું કે, કારની માગ કરી છે. નિયમમાં જોગવાઇ હશે તો કાર મળશે. બીજી તરફ ભાજપના હોદ્દેદારો ઇજનેર વિભાગના અધિકારીઓને કાર આપવા દબાણ કરી રહ્યા છે. ભાજપના એક હોદ્દેદારે અધિકારીને ચેમ્બરમાં બોલાવી કાર મુદ્દે તેમને ખખડાવ્યા હતા. જોકે અધિકારીએ આ હોદ્દેદારોને આવી રીતે વાત નહીં કરવાનું કહી રોકડું પરખાવી દીધું હતું. અધિકારીને જાહેરમાં ખખડાવ્યા હોવાની વાત ચારેય તરફ ચર્ચાનો વિષય બની છે. ભાજપના હોદ્દેદારોના આ પ્રકારના વર્તનથી અધિકારી વર્ગમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

(11:35 am IST)