Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

અમદાવાદમાં ફરજિયાત વેક્સીન સર્ટિફિકેટનો ફિયાસ્કો: AMTS-BRTS ની આવક પર અસર

વેક્સીન સર્ટિફીકટે ચેકીંગના કારણે એએમટીએસ અને બીઆરટીએસમાં મુસાફરોની સંખ્યા 30 ટકા ઘટી

અમદાવાદ :કોરોનાની સંભવિત ત્રીજી લહેરના આગમનને જોતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વેક્સીનેશન ઉપર ભાર મૂકાઇ રહ્યો છે. અને 20 સપ્ટેમ્બરથી એએમસી સંચાલિત તમામ સેવાઓ અને જાહેર સ્થળો ઉપર વેક્સીન લીધાનુ સર્ટિફિકેટ ન બતાવનારને પ્રવેશબંધી કરાઇ છે. જે અંગે કડક ચેકિંગ પણ શરૂ કરાયુ છે. ત્યારે તંત્રની આ ઝુંબેશની એએમટીએસ અને બીઆરટીએસ જેવી જાહેર પરિવહન સેવા ઉપર વિપરીત અસર થઇ છે.

કોરોના સામે લડવા સરકાર દ્વારા વેક્સીનેશન ઉપર ખાસ ભાર મૂકાઇ રહ્યો છે. પરંતુ હજીપણ ઘણા એવા લોકો છે કે જે વિવિધ કારણોસર વેક્સીન લેવાનુ ટાળી રહ્યા છે. ત્યારે આવા લોકોને શોધવા અને અન્ય લોકોને કોરોના સામે રક્ષણ મળે તે હેતુથી ગત 20 સપ્ટેમ્બરથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વેક્સીન ન લેનારાઓને શોધી કાઢવા ખાસ ઝુંબેશ શરૂ કરાઇ છે. જે અંતર્ગત એએમસીની તમામ ઓફિસ, ગાર્ડન, જિમ્નેશ્યમ, લાઇબ્રેરી, કાંકરીયા અને ઝુ સહિત એએમટીએસ -બીઆરટીએસમાં પ્રવેશ લેવા માંગતા લોકો પાસે ફરજિયાત વેક્સીન સર્ટિફિકેટ માંગવામાં આવી રહ્યુ છે. ત્યારે તંત્રની આ ઝુંબેશની શહેરની જાહેર પરીવહન સેવા, એટલે કે એએમટીએસ-બીઆરટીએસ પર ગંભીર અસર પડી છે.

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વેક્સીન સર્ટિફીકટે ચેકીંગના કારણે એએમટીએસ અને બીઆરટીએસમાં મુસાફરોની સંખ્યા સામાન્ય દિવસો કરતા 30 ટકા ઘટી ગઇ છે, જેની સીધી અસર તંત્રની આવક ઉપર પણ પડી રહી છે. ઉલ્લેખનીય છે કે એએમટીએસ અને બીઆરટીએસમાં મુસાફરી કરતા મોટાભાગના મુસાફરો ગરીબ, મધ્યમ વર્ગ અને શ્રમિકો હોય છે. જેઓ વેક્સીન લીધી નથી હોતી અથવા તો તેઓની પાસે સ્માર્ટફોન ન હોવાના કારણે તેઓ વેક્સીન લીધાનુ સર્ટિફીકેટ નથી મેળવી શકતા. ત્યારે 20 સમ્ટેમ્બરથી શરૂ કરાયેલી ચેકીંગ ઝુંબેશ બાદ બન્ને સેવાના દૈનિક મુસાફરો અને આવકમાં તોતિંગ ઘટાડો નોંધાયો છે.

(12:24 pm IST)