Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

એક ફોટો ખરાબ રસ્તાને સારો કરી દે તેવી સુવિધા ગુજરાતની પ્રજાને જલદી મળશે

ભૂપેન્દ્રભાઇ પટેલ સરકારના મંત્રી પુર્ણેશ મોદી ખરાબ રસ્તાને લઈને એકશનમાં આવ્યા : ખરાબ રસ્તાના સ્થળ સહિતની વિગતો નાગરિકો વોટ્સએપ કે સોશિયલ મીડિયા દ્વારા મોકલે તે પછી તેનું તાત્કાલિક નિરાકરણ લાવવા પગલા ભરાશેઃ જલદી નાગરિકો ખરાબ રસ્તા અંગે સીધી ફરિયાદ કરીને સમાધાન મળવી શકશે

અમદાવાદ, તા.૨૨: વરસાદ ખેંચાયા બાદ તેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી, પરંતુ સારો વરસાદ થયા બાદ રાજયમાં ઠેર-ઠેરથી રસ્તાઓની ખરાબ હાલતની ફરિયાદો ઉઠી રહી છે. આ ખરાબ રસ્તાઓના કારણ અકસ્માતની ઘટનાઓએ પણ લોકોને ચિંતામાં મુકયા છે. આવામાં ખરાબ રસ્તાઓની ફરિયાદ કયાં કરવી તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે. આવામાં આગામી સમયમાં ખરાબ રસ્તાઓની સીધી ફરિયાદ નવા બનેલા માર્ગ અને મકાન વિભાગના મંત્રી પુર્ણેશ મોદીને કરી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.

આમ, ખરાબ રસ્તાઓની ફરિયાદ વોટ્સએપ કે સોશિયલ મીડિયા દ્વારા કરીને તેનું નિરાકરણ લાવી શકાશે, આ સુવિધામાં ફરિયાદ માટે ખરાબ રસ્તાની વિગતો અને સ્થળ વિશે માહિતી આપવામાં આવ્યા બાદ ટૂંક સમયમાં તેનું સમાધાન લાવી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.

આ અંગે મંત્રી પુર્ણેશ મોદીએ જણાવ્યું છે કે, મેં ખાસ કરીને ચોમાસા દરમિયાન ખરાબ થયેલા ૧ લાખ કિલોમીટર રસ્તાઓની સમિક્ષા કરી છે. આ અંગે વિભાગને સૂચના આપીને એવી સિસ્ટમ ઉભી કરવા જણાવ્યું છે, જેમાં નાગરિકો દ્વારા ખરાબ રસ્તાઓના સ્થળ અને તેની વિગત અંગે વોટ્સઅપ કે સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપવામાં આવે તે પછી તેના પર એન્જિનિયર દ્વારા કામગીરી કરીને ફરિયાદનો જલદી નીકાલ લાવવા અંગે કામગીરી કરવા અંગે જણાવ્યું છે.

મંત્રીએ આગળ જણાવ્યું કે, અમારી પાસે ૧૦૦૦થી વધારે એન્જિનિયરો છે કે જેઓ ૧ લાખ કિલોમીટર રસ્તાઓની સંભાળ રાખે છે. અમે અન્ય એજન્સીઓ સાથે પણ સંકલન કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

ભૂપેન્દ્ર પટેલની સરકારના નવા મંત્રી પુર્ણેશ મોદીએ નાગરિકોને જે હાલાકી પડે છે તે અંગે જરુરી પગલા ભરવા અંગે પગલા ભરવાની સૂચના આપવામાં આવી છે, આ રાજયના રાજયના નાગરિકો માટે હકારાત્મક બાબત સાબિત થઈ રહી છે. જોકે, આ અંગે જલદીમાં જલદી ખરાબ રસ્તાના સમારકામ માટે પદ્ઘતિ નક્કી કરીને પગલા ભરવામાં આવે તેવી અભ્યર્થના પણ વ્યકત કરવામાં આવી રહી છે.

(3:19 pm IST)