Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

ગુજરાતમાં સપ્ટેમ્બરમાં સિઝનનો ૩૫ ટકા વરસાદ પડ્યો : હજી ૫ દિવસ આગાહી

જુલાઈ અને ઓગસ્ટમાં સિઝનનો સરેરાશ ૪૩.૧૪ ટકા વરસાદૅંપાંચ વર્ષમાં સૌથી ઓછો

ગાંધીનગર, તા.૨૨ : ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસાની સિઝનનો સરેરાશ ૭૮.૭૫ ટકા વરસાદ નોંધાયો છે.જો કે સપ્ટેમ્બર માસમાં પડેલા વરસાદે રંગ રાખ્યો છે. સામાન્ય રીતે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં સારો વરસાદ થાય છે. પરંતુ ચાલુ વર્ષે જુલાઈ-ઓગસ્ટમાં સરેરાશ  ૪૩.૧૪ ટકા જ વરસાદ નોંધાયો હતો. જોકે, સપ્ટેમ્બર માસમાં એક પછી એક સિસ્ટમ બની. જેના કારણે ગુજરાતમાં સારો વરસાદ થયો. છેલ્લા ૨૨ દિવસમાં જે વરસાદ પડ્યો તેના કારણે ડેમ ઓવરફ્લો થયા, નદી બે કાંઠે વહી, કૂવામાં નવા નરી આવ્યા અને જગતનો તાત ખુશ થયો છે.

હવામાન વિભાગના ડાયરેકટર મનોરમાં મોહન્તિએ જણાવ્યું કે, આગામી ૨૪ કલાક વરસાદનું જોર યથાવત રહશે. જેમા પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુરના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, દિવમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

શુક્રવારે આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ,તાપીમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ ૨૫ સપ્ટેમ્બરના વડોદરા,છોટા ઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

છેલ્લા ૫ વર્ષમાં ચાલુ વર્ષે જુલાઈ અને ઓગસ્ટમાં માત્ર સિઝનનો સરેરાશ ૪૩.૧૪ ટકા વરસાદ થયો છે.જે છેલ્લા ૫ વર્ષમાં સૌથી ઓછો વરસાદ છે.જ્યારે ચાલુ વર્ષે સપ્ટેમ્બર માસમાં સારો વરસાદ થયો.જે છેલ્લા ૫ વર્ષના સપ્ટેમ્બર માસના ૨૨ દિવસ સુધીમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે.ચાલુ વર્ષે સપ્ટેમ્બરના ૨૨ દિવસમાં ૩૫ ટકા વરસાદ નોંધાયો છે.અને હજી આગામી ૫ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.

સપ્ટેમ્બર માસમાં સારા વરસાદના કારણે ગુજરાતમાં વરસાદની ઘટ છે તે કવર થઈ ગઈ અને ગુજરાત વરસાદની સ્થિતિ સામાન્ય થઈ છે. ગુજરાતમાં પીવા અને સિંચાઈના પાણીની ચિંતા દૂર થઈ છે. આગામી ૫ દિવસ વરસાદી માહોલ યથાવત રહશે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

(4:00 pm IST)