Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

છેલ્લા કેટલાક દિવસોથી ચાલતા બરોડા ડેરી વિવાદમાં સુખદ સમાધાનઃ દુધ ઉત્‍પાદકોને દશેરા ઉપર 18 કરોડ અને બાદમાં 9 કરોડની ચૂકવણી કરાશે

સી.આર. પાટીલે ડેરીના સભાસદો અને ધારાસભ્‍યોની બેઠક બોલાવ્‍યા બાદ સમાધાન થયુ

ગાંધીનગર: સવારથી ગાંધીનગરમાં બરોડા ડેરી મુદ્દે ચાલી રહેલા ધમધમાટની મડાગાંઠ ઉકેલાઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા બરોડા ડેરી વિવાદમાં સુખદ સમાધાન થયું છે. આખરે દૂધ ઉત્પાદકોને હિતમાં દશેરા પર 18 કરોડ અને બાદમાં 9 કરોડની ચૂકવણીની જાહેરાત કરાઈ છે. આ મુદ્દે સીઆર પાટીલે ધારાસભ્યો, ડેરીના સભાસદો વચ્ચે બેઠક યોજી હતી. જેનુ સુખદ સમાધાન આવ્યું છે. 

બરોડા ડેરી વિવાદમાં આખરે સમાધાન થયુ છે. દૂધ ઉત્પાદકોને 18 કરોડની ચૂકવણી થશે. દશેરા પર દૂધ ઉત્પાદકોને ચૂકવણી કરવામાં આવશે. માર્ચ સુધીમાં વધુ 9 કરોડ રૂપિયાની ચૂકવણી કરાશે. ભાજપ પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં મહત્વની બેઠક યોજાઈ હતી. સમાધાન બાદ દિનેશ પટેલે જણાવ્યું કે, ડેરી વિવાદમાં મનદુ:ખ દૂર થયું છે. દુધ ઉત્પાદકોનું હિત સાચવવામાં આવશે. કુલ 27 કરોડ રૂપિયા માર્ચ સુધીમાં ચુકવાશે.

તો પશુપાલકનો મુદ્દો ઉઠાવનાર કેતન ઈનામદારે આ વિશે કહ્યું કે, પશુપાલકોને હિતમાં પ્રદેશ અધ્યક્ષે બેઠક કરી હતી. અમે ચાર ધારાસભ્યો અને ડેરીના સંચાલકો વચ્ચે અધ્યક્ષે મધ્યસ્થી કરી હતી. 27 કરોડ રૂપિયાની રકમ પશુપાલકોને આપવામાં આવશે. દશેરા સુધીમાં 18 કરોડ પશુપાલકોને ખાતામાં જમા થશે. માર્ચના અંત સુધીમાં વધુ 9 કરોડ જમા થશે. હું પ્રદેશ અધ્યક્ષ, ચેરમેન-વાઈસ ચેરમેનનો આભાર માનું છું.

(4:35 pm IST)