Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

મહેસાણાની જૂની મામલતદાર કચેરીમાંથી 484 મતપેટીઓની ચોરી થતા પોલીસ ફરિયાદ

મહેસાણા:જિલ્લામાં સાડા ચાર વર્ષ અગાઉ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. તે સમયે જુની મામલતદાર કચેરીમાંથી લોખંડની ૯૪૪ મોટી મતપેટીઓ ઉપયોગમાં લેવાઈ હતી. તેને ચૂંટણી પૂર્ણ થતાં તત્કાલીન મામલતદારે જુની મામલતદાર કચેરીના મકાનમાં મુકાવી હતી. દરમિયાન કલેક્ટર દ્વારા તે પૈકીની કેટલી મતપેટીઓ ઉપયોગમાં લઈ શકાય તેવી વિગત માંગતા મહેસાણા મામલતદાર કચેરીએ ૯૪૪ મોટી પેટીઓ ઉપલબ્ધ હોવાનો રીપોર્ટ આપ્યો હતો. જોકે સેવક તરીકે હંગામી નોકરી કરતા મહેન્દ્ર મકવાણા અને રીતેષ ઠાકોર  નિત્યક્રમ પ્રમાણે અહીં મહેસુલી રેકર્ડ શોધવા જતાં મકાનની પાછળની બારી અને રેકર્ડ રૂમનો દરવાજો તુટેલો તેમજ રેકર્ડ વેરણ છેરણ પડયું હતું. જેથી  મત પેટીઓની ચોરી થઈ હોવાનું જણાયું હતું.  તેઓએ આ અંગે  જાણ કરતાં મહેસાણાના નાયબ મામલતદાર સંજયભાઈ અને કારકુન નરેન્દ્રભાઈ રાજગોર પહોંચ્યા હતા. અહીં તેમણે મત પેટીઓની ગણતરી કરાવતાં ૯૪૪ પૈકી ૪૮૪ મત પેટીઓ ઓછી હોવાનું ખુલ્યું હતું. ગત તા. ૨૪-૭-૨૧ થી ૧-૮-૨૧ ના સમયગાળામાં અજાણ્યા શખ્સોએ અંદર પ્રવેશ કરીને મત પેટીઓની ચોરી હોવાનો ઉલ્લેખ કરીને આ ઘટના અંગે મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેની તપાસ પીએસઆઈ બી.એફ. દેસાઈ ચલાવી રહ્યા છે.

(5:54 pm IST)