Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થાંમાં વધારો : 17 ટકાના દરમાં વધારો કરી 28 ટકાના દરે ચૂકવાશે

રાજય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને લાભ મળશે: સાતમા પગારપંચ મેળવતા કર્મચારીઓને જ મોંઘવારી ભથ્થું ચૂકવાશે

ગાંધીનગર: સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થાંના દરમાં વધારો કરવાનો નિર્ણય કરાયો છે આ અગાઉ નિર્ણય કરાયો હતો પરંતુ કોરોના સંક્રમણના કારણે ઉભી થયેલી પરિસ્થિતિના કારણે મોંઘવારી ભથ્થું સ્થગિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. હવે 1લી જુલાઇ 2021ની અસરથી હાલમાં ચૂકવવામાં આવતા મોંઘવારી ભથ્થાંના 17 ટકાના દરમાં વધારો કરીને 28 ટકાના દરે મોંઘવારી ભથ્થું ચુકવવામાં આવશે. રાજય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને લાભ મળશે.

રાજયના નાણાં વિભાગે કરેલા ઠરાવમાં જણાવ્યું છે કે, ગુજરાત રાજય સેવા ( પગાર સુધારણા ) નિયમો 2016 હેઠળના પગારધોરણો મુજબના પગારમાં દર્શાવેલ 13-1-2020ના સરકારી ઠરાવ અન્વયે રાજય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને 1-7-2019ની અસરથી 17 ટકાના દરે મોંઘવારી ભથ્થું ચુકવવામાં આવતું હતું. ભારત સરકારના 23-4-20ના ઓફીસ મેમોરેન્ડમથી કોવિડ 19ના સંક્રમણના કારણે ઊભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇને 1-1-20, 1-7-20 તથા 1-1-21થી ચૂકવવાપાત્ર થતું મોંઘવારી ભથ્થું સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના કિસ્સામાં ઉક્ત સ્થગિત કરવામાં આવેલ મોંઘવારી ભથ્થાનું એકત્રિકરણ કરી 1-7-21ની અસરથી હાલમાં ચુકવવામાં આવતાં મોંઘવારી ભથ્થાંના 17 ટકાના દરમાં વધારો કરી 28 ટકાના દરે મોંઘવારી ભથ્થું ચુકવવાનું ઠરાવ્યું છે.

રાજય સરકારના નિર્ણય અનુસાર અન્ય હુક્મો ન થાય ત્યાં સુધી મોંઘવારી ભથ્થા સિવાયના અન્ય તમામ ભથ્થાંઓ સુધાર્યા પૂર્વેના એટલે કે છઠ્ઠાં પગાર પંચ મુજબના પગાર માળખામાં મળતા પગાર અને દર મુજબ મળવાપાત્ર થશે. કર્મચારીઓને સપ્ટેમ્બર-21થી 28 ટકા મુજબનું મોંઘવારી ભથ્થું માસિક પગાર સાથે નિયમિત રીતે તથા સૂચિત મોંઘવારી ભથ્થાંના જુલાઇ 21ના તફાવતની રકમ ઓક્ટોબર-21ના પગારની સાથે તથા ઓગસ્ટ-21ના તફાવતની રકમ જાન્યુઆરી 2022ના પગારની સાથે ચૂકવવાની રહેશે.

પેન્શનરોના કિસ્સામાં સપ્ટેમ્બર-21 માસથી 28 ટકા મુજબ હંગામી વધારો માસિક પેન્શન સાથે નિયમિત રીતે તથા સૂચિત હાંગામી વધારાના જુલાઇ 21ના તફાવતની રકમ ઓક્ટોબર-21ના પેન્શનની સાથે તથા ઓગસ્ટ-21 માસના તફાવતની રકમ જાન્યુઆરી-22ના પેન્શનની સાથે ચૂકવાશે.

જયારે પ્રોવિડન્ટ ફંડ ખાતા રાજય સરકાર હસ્તક છે તેવા રાજય સરકારના તમામ કર્મચારીઓ તથા પંચાયત, માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ, સહાયક અનુદાન મેળવતી સરકારી શાળાઓ- સંસ્થાઓ જેમના કર્મચારીઓને રાજય સરકારની મંજુરીથી સાતમા પગારપંચ પ્રમાણે પગાર સુધારણાંનો લાભ આપવામાં આવે છે તેવા કર્મચારીઓને લાગુ પડશે.

આ હુકમનો લાભ ઉચિત ફેરફાર સાથે પ્રાથમિક શિક્ષકો અને પંચાયતમાં પ્રતિનિયુક્તિ પરના અથવા બદલી પામેલા કર્મચારીઓ તેમ જ કામ પુરતા મહેકમ પરના કર્મચારીઓ જેમને સાતમા પગારપંચ મુજબ પગાર સુધારણા મંજુર કરવામાં આવે છે તેમને મળવાપાત્ર થશે. રાજય સરકારની પ્રવર્તમાન નીતિ અનુસાર મોંઘવારી ભથ્થામાં થતો આ વધારો જેમને સાતમા પગાર પંચ મુજબ પગાર સુધારણાં થઇ છે તેમને મળવાપાત્ર થશે.

.

(10:45 pm IST)