Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

અમદાવાદના 20 ઉદ્યોગ ગૃહો દ્વારા મિલાવટ કરાતી હોવાની હકીકતનો ઘટસ્ફોટ: આરટીઆઇમાં ખુલાસો

20 ઉદ્યોગ ગૃહો પૈકી માત્ર 7 સામે જ પગલાં ભરાયાં, બાકીના 13 સામે કેસ દાખલ કરાયા નથી

અમદાવાદ :શહેરમાં પડીકાઓમાં વેચાતાં ફરસાણ પર એક્સપાયરી ડેઇટ લખવામાં આવતી નહીં હોવાની હકીકત અગાઉ પ્રકાશમાં આવી હતી. ત્યાં વળી આજે ગ્રાહક સુરક્ષા, ગ્રાહક સત્યાગ્રહ, ગ્રાહક ક્રાંતિ દ્વારા કરાયેલી આઇરટીઆઇમાં 20 ઉદ્યોગ ગૃહો દ્વારા મિલાવટ કરવામાં આવતી હોવાની હકીકતનો ઘટસ્ફોટ થવા પામ્યો છે. આ 20 પૈકી માત્ર 7 જણાં સામે જ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જયારે 13 સામે હજુ કાર્યવાહી ચાલુ હોવાનો જવાબ આપવામાં આવ્યો છે.

આ અંગે ગ્રાહક સુરક્ષા ગ્રાહક સત્યાગ્રહ ક્રાંતિના પ્રમુખ સુચિત્રા પાલે જણાવ્યું છે કે, હલકી ગુણવત્તાનો સામાન વેચવા સામે પગલા ભરવાની કામગીરી સરકારી તંત્રની હોય છે. રુલ્સ રેગ્યુલેશનનો કાયદો પુસ્તકમાં જ ના રહે તે જોવાની સરકારી તંત્રની ફરજ છે. અત્યારે ખાદ્ય પદાર્થમાં થતી ભેળ સેળ બહુ જ માત્રામાં સામે આવી રહી છે. જુન 2020 થી 2021 સુધી કોર્પોરેશન દ્વારા 20 ગૃહ ઉદ્યોગો તેમજ ડેરી અને પાર્લરની દુકાનો ઉપરથી સેમ્પલ લઈ ચકાસણી કરાતા ભેળસેળ કરતાં હોવાનો રિપોર્ટ આવ્યા છે.

તેમણે વધુમાં જણાવ્યું છે કે, 20 ઉત્પાદન કર્તાઓ પાસેથી સેમ્પલ મેળવી ચકાસણી કરાતા જે ભેળસેળ સામે આવી છે તે બધી પ્રોડક્ટમાં MISBRANDEDનું કારણ આપવામાં આવેલ. આ 20 ઉત્પાદનકર્તાની પ્રોડક્ટ MISBRANDED હોવા છતાં ફક્ત 7 ઉત્પાદન કર્તાઓ ઉપર કેસ દાખલ કરવામાં આવેલ છે. આ 7 ઉત્પાદન કર્તાઓમાંથી 6 ઉત્પાદન કર્તાઓના સેમ્પલ 2020માં લેવામાં આવ્યા હતા અને 1 ઉત્પાદન કર્તાની પ્રોડક્ટનું સેમ્પલ 2021માં લેવામાં આવેલ. જેમકે, 1. જયશ્રી ઓમકારેશ્વર ડેરી એન્ડ પાર્લર 2. કિષ્ના ડેરી પાર્લર 3. ભેરુનાથ જૈન ચવાણા એન્ડ ગૃહ ઉદ્યોગ 4. ધનલક્ષ્મી ગૃહ ઉદ્યોગ 5. પવન નમકીન ભંડાર 6. અશ્વિન ટ્રેડર્સ, જૈન ઉદ્યોગ 7. ગુજ્જુ બાઈટ ગૃહ ઉદ્યોગનો સમાવેશ થાય છે. બાકી 13 ઉત્પાદન કર્તામાંથી 8 ઉત્પાદન કર્તાની પ્રોડક્ટનો સેમ્પલ 2020માં જ ચકાસણી માટે લેવામાં આવેલ તેમજ પ ઉત્પાદન કર્તાઓની પ્રોડક્ટના સેમ્પલ 2021માં લેવામાં આવેલ હતા. આ 13 ઉત્પાદન કર્તાઓની પ્રોડક્ટની ભેળસેળનું કારણ પણ MISBRANDED છે છતાં આ ઉત્પાદન કર્તાઓ ઉપર કેસ દાખલ કરવામાં આવ્યા નથી.

સુચિત્રા પાલે વધુમાં જણાવ્યું છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ફુડ ડિપાર્ટમેન્ટમાંથી ગ્રાહકોના આરોગ્ય માટે અમદાવાદના નમકીન-સ્નેક્સ ઉત્પાદન કરતા ગૃહ ઉદ્યોગ-ડેરી અને પાર્લરની પ્રોડક્ટ ઉપર કાર્યવાહી કરવામા આવે છે પરતું નમકીન-સ્નેક્સનું ઉત્પાદન કરતા કંપનીઓ ઉપર જેમ કે, ગોપાલ, બાલાજી, સમ્રાટ, રીયલ જેવી બાકી મોટી મોટી કંપનીઓની પ્રોડક્ટની ચકાસણીની કોઈ માહિતી નથી. તેમજ કોમોડીટિઝના રુલ્સ રેગ્યુલેશન ભંગ બાબતે ઉત્પાદન કરતાઓ ઉપર શું યોગ્ય કાર્યવાહી કરવામાં આવી હોય તે સ્પષ્ટતા કરવામાં આવતી નથી.

(10:49 pm IST)