Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

સત્રનો તોફાની પ્રારંભ : ૧૧ કોંગી સભ્‍યો સસ્‍પેન્‍ડ : ઢોર નિયંત્રક વિધેયક પરત

બે દિવસીય ધારાસભા સત્ર વખતે જ કર્મચારીઓ, આંદોલનકાર સંગઠનો અને કોંગ્રેસે બાંયો ચડાવી : વિધાનસભા ભવનમાં વિપક્ષી સભ્‍યોના સૂત્રોચ્‍ચાર : ત્રાસવાદ, ઇમ્‍પેકટ ફી, નેશનલ લો યુનિવર્સિટી વગેરેને લગતા વિધેયકો આવશે

આજે ગુજરાત વિધાનસભા ભવન સંકુલ ખાતે કોંગ્રેસના ધારાસભ્‍યોએ કર્મચારીઓ સહિતના પ્રશ્નો અંગે ખાસ પ્રકારના સૂત્રોચ્‍ચારવાળા વષાો ધારણ કરી સરકાર વિરોધી ઉગ્ર સૂત્રોચ્‍ચાર કરેલ તે પ્રસંગની તસ્‍વીર.
(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. ૨૧ : ચૌદમી ગુજરાત વિધાનસભાનું અંતિમ સત્ર આજથી શરૂ થયું છે. બે દિવસીય વિધાનસભા સત્રનો પ્રારંભ જ તોફાની બન્‍યો છે. આજે ગૃહમાં દિવંગત સભ્‍યોને શ્રધ્‍ધાંજલિ બાદ રખડતા ઢોરને નિયંત્રણમાં રાખવા અંગે રાજ્‍યપાલે પરત કરેલ વિધેયક અંગે ચર્ચા ચાલતી હતી તે વખતે જ કોંગી સભ્‍યોએ સૂત્રોચ્‍ચાર કરી વાતાવરણ ગજાવી દિધેલ. ત્‍યારબાદ આ વિધેયક સર્વાનુમતે પરત ખેંચવાની (રદ્દ) કરવાની કાર્યવાહી થઇ હતી.
આજે ગૃહની કાર્યવાહી શરૂ થઇ તે પૂર્વે વિધાનસભા ભવનના બીજા માળે કર્મચારીઓના પ્રશ્ન અંગે કોંગી ધારાસભ્‍યોએ ટી-શર્ટ જેવા સૂત્રોચ્‍ચાર સાથેના વષાો ધારણ કરી સૂત્રોચ્‍ચાર કરેલ. ગૃહમાં પણ કેટલાક વિપક્ષી સભ્‍યોએ ધમાલ કરતા ૧૧ સભ્‍યોને આજની કાર્યવાહીમાંથી સસ્‍પેન્‍ડ કરવામાં આવેલ. આગળ ધસી આવેલા સભ્‍યોને અધ્‍યક્ષની ટકોર છતાં નહિ માનતા આખરે કોંગીના અંબરીશ ડેર, પ્રતાપ દુધાત, ચંદનજી ઠાકોર, ગીનીબેન, કનુભાઇ બારૈયા, નૌશાદ સોલંકી, ઇમરાન ખેડાવાલા વગેરે સહિત ૧૧ સભ્‍યોને ગૃહમાંથી આજના દિવસ માટે સસ્‍પેન્‍ડ કરવામાં આવ્‍યા હતા.
આ સત્રમાં કેટલાક અગત્‍યના સુધારા વિધેયક ગૃહમાં રજુ થશે અને તેના પર સભ્‍યો પોતાના વિચારો રજુ કરશે. સભ્‍યોના વિચારો અને સૂચનો રજુ થયા બાદ મંત્રીશ્રીઓ તેનો જવાબ આપશે. આજે સત્ર ટાણે જ ગાંધીનગરમાં વિપક્ષ અને આંદોલનકારોએ આક્રમક મિજાજ દર્શાવ્‍યો છે. આવતીકાલે ગૃહનો બીજો અને છેલ્લો દિવસ છે.
રજુ થનાર વિધેયકોમાં ગુજરાત આંતકવાદ અને સંગઠીત ગુના નિયંત્રણ (સુધારા) વિધેયક, ગુજરાત વિદ્યુત ઉદ્યોગ (પુનઃ ગઠન અને નિયમન) (સુધારા), ગુજરાત વિનયોગ અધિનિયમો (રદ્દ કરવા બાબત) વિધેયક ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી (સુધારા) વિધેયકનો સમાવેશ થાય છે.
આ સત્રમાં સૌથી મોટી એ વાત બની છે ક ગત સત્રમાં શહેરી વિસ્‍તારોમાં ઢોર નિયંત્રણ અને વિધેયક મંજુર કરવામાં આવેલ હતું પરંતુ ત્‍યારબાદ રખડતા ઢોરને આડેધડ  પકડવા સામે માલધારી સમાજની ઉગ્ર લડત શરૂ થયેલ. રાજ્‍યપાલશ્રીની મંજુરી માટે મોકલવામાં આવેલ આ વિધેયકને રાજ્‍યપાલશ્રીએ ૧૭ સપ્‍ટેમ્‍બરના રોજ વિધાનસભાને પરત મોકલેલ છે. આજે ગૃહમાં આ વિધેયક સર્વાનુમતે પાછું ખેંચાયું છે.
રાજ્‍યપાલશ્રીએ આ વિધેયક પરત મોકલી ઢોર નિયંત્રણ અંગે પુનઃ વિચારણા કરવા અને માલધારીઓની યોગ્‍ય રજૂઆતો ધ્‍યાને લેવાનો સ્‍પષ્‍ટ સંદેશ સાથે આગળ વધવા તાકીદ કરી હતી.
બીજી તરફ આજથી શરૂ થતાં આ સત્રને તોફાની બનાવવા કર્મચારી મહામંડળ, માજી સૈનિકના પરિવારો, વન વિભાગના કર્મચારીઓ તેમજ આંગણવાડીમાં કામ કરતી આશા વર્કરો ગાંધીનગર સચિવાલય સંકુલ સામે દેખાવો કરે તેવા એંધાણ છે. આવતીકાલે પણ સંઘર્ષના સ્‍પષ્‍ટ ઓછાયા છે. આ આંદોલનકારીઓ માટે સરકારે પોલીસ રેપિડેકશન ફોર્સ તેમજ એસઆરપી જવાનોને પુરતી તૈયારી સાથે આંદોલનકારીઓને આંદોલન રોકવા કામે લગાડી દેવામાં આવ્‍યા છે.

 

(3:21 pm IST)