Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

સરકાર ઝૂકી, ઢોર નિયંત્રણ બીલ આખરે પરત ખેંચાયું

રાજ્યમાં માલધારી સમાજના વિરોધનો જોરદાર પડઘો : સર્વ સંમતિથી ઢોર નિયંત્રણ બીલ પરત ખેંચવામાં આવતા માલધારી સમાજમાં પણ ખુશીનો માહોલ છવાઈ ગયો

ગાંધીનગર, તા.૨૧ : ઢોર નિયંત્રણ કાયદાને લઈ રાજ્યના માલધારી સમાજે સરકાર સામે બાંયો ચઢાવી હતી. ઢોર નિયંત્રણ કાયદો પરત ખેંચવાની માગ સાથે આજે માલધારી સમાજ દ્વારા દૂધની હડતાળ પાળવામાં આવી હતી. ત્યારે આખરે હવે સરકાર માલધારી સમાજ સામે ઝૂકી છે. ઢોર નિયંત્રણ બીલ હવે વિધાનસભા ગૃહમાં પરત ખેંચવામાં આવ્યું છે. સર્વ સંમતિથી ઢોર નિયંત્રણ બીલ પરત ખેંચવામાં આવ્યું છે. મહત્વનું છે કે, સરકાર દ્વારા ઢોર નિયંત્રણ બીલ રાજ્યપાલને રજૂ કરવામાં આવ્યું હતું. પણ હવે આ બીલ પરત ખેંચવામાં આવતા માલધારી સમાજમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં રખડતા ઢોરોને લઈ રાજ્ય સરકારે એક બીલ પસાર કર્યુ હતુ. આ બીલ રાજ્યપાલને પણ સોંપવામાં આવ્યું હતું. ત્યારે હવે ઢોર નિયંત્રણ બીલ વિધાનસભા ગૃહમાં પરત ખેંચવામાં આવ્યું છે. સર્વ સંમતિથી આ બીલ પરત ખેંચવામાં આવ્યું છે. આ કાયદા સામે માલધારી સમાજે સરકાર સામે બાંયો ચઢાવી હતી. સાથે જ આજે માલધારી સમાજ દ્વારા સમગ્ર ગુજરાતમાં દૂધનું વિતરણ બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. ત્યારે માલધારી સમાજના ભારે વિરોધ બાદ હવે સરકાર સફાળી જાગી હતી અને સર્વ સંમતિથી બીલ પરત ખેંચવામાં આવ્યું છે. તો સરકારમાં પ્રવક્તા જીતુ વાઘાણીએ જણાવ્યું કે, આ બીલ મંજૂર થયા બાદ સરકારે માલધારી સમાજના આગેવાનો સાથે ખુલ્લા મને ચર્ચાઓ કરી છે. તેમની સમસ્યા પણ સમજી છે. સાથે સાથે મહાનગર અને પાલિકામાં પણ લોકોને તકલીફ ન પડે એટલા માટે એમના માટે પણ નિર્ણયો લેવામાં આવ્યા છે. ઢોરવાડા બનાવીને ઢોરને મૂકી જવાના અને ચૂકવણી કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. સમતોલ વ્યવસ્થા રાજ્યમાં કરીને આ ઢોર નિયંત્રણ કાયદો રાજ્યપાલે પરત મોકલ્યો છે. ત્યારે વિધાનસભામાં આજે સર્વાનુમતે પરત ખેંચવામાં આવ્યો છે.

મહત્વનું છે કે, આજે માલધારી સમાજ દ્વારા ઢોર નિયંત્રણ કાયદાનો વિરોધ કરવામાં આવ્યો હતો. સાથે જ સમગ્ર ગુજરાતમાં માલધારી સમાજ દ્વારા દૂધનું વિતરણ બંધ રાખવામાં આવ્યું હતું. જે બાદ સમગ્ર રાજ્યના કેટલાંક વિસ્તારોમાં કફોડી સ્થિતિ ઉભી થઈ હતી. અમદાવાદના કેટલાંક વિસ્તારોમાં દુકાનો પણ બંધ કરાવવામાં આવી હતી. આ સિવાય સુરતમાં દૂધની થેલીઓ તાપીમાં ફેંકવામાં આવી હતી. પણ હવે રાજ્ય સરકારે ઢોર નિયંત્રણ બીલ પરત ખેંચતા માલધારી સમાજમાં પણ ખુશી જોવા મળી રહી છે.

 

(7:20 pm IST)