Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

એસટી યુનિયનો - સરકાર વચ્‍ચે સમાધાન : હડતાલ મુલત્‍વી

કુલ ૧૩માંથી ૧૦ માંગણીઓ સ્‍વીકારાઇ : મોડી રાત્રે ત્રણેય યુનિયનો - એસટી બોર્ડના એમ.ડી. - મંત્રીશ્રી વચ્‍ચે સમાધાન : ફીકસ પગારના કર્મચારીઓના ૧ હજારથી ૨ હજારનો વધારો : બુટ - ધોલાઇ - નાઇટહોલ્‍ટ સહિતના દૈનિક - માસિક ભથ્‍થામાં પણ વધારો

રાજકોટ તા. ૨૧ : વીજતંત્ર બાદ એસટીના ૪૪ હજાર કર્મચારીઓ કાલ મધરાતથી હડતાલ પર જનાર હતા પરંતુ ગઇકાલે મોડી રાત્રે એસટીના ત્રણેય માન્‍ય યુનિયનો અને એસટીના એમડી વાહન વ્‍યવહાર મંત્રી - અન્‍ય અધિકારીઓ વચ્‍ચે થયેલ સફળ મંત્રણામાં યુનિયનો દ્વારા રજૂ કરાયેલ ૧૩માંથી ૧૦ જેટલી માંગણીઓ અંગે સમાધાન થતાં આંદોલન - હડતાલ મુલત્‍વી રાખવાની જાહેરાત કરાઇ છે. જેમાં ડ્રાઇવર - કંડકટરના ગ્રેડ પે, ૧૭ ટકા મોંઘવારી ભથ્‍થુ, કર્મચારીઓના વિવિધ ભથ્‍થામાં વધારો કરવા, ૭માં પગાર પંચના લાભો, ફીકસ પગારના કર્મચારીઓના પગાર, એકસગ્રેસીસ બોનસ સહિતની માંગણીઓ સ્‍વીકારી લેવાઇ છે.

આ ઉપરાંત ટીસી - એટીઆઇ - ટીઆઇ એસટીએસના ખાસ ભથ્‍થામાં તોતીંગ વધારો કરાયો છે, સ્‍પેશીયલ પે માં વર્કશોપ - ફયુઅલ કલાર્ક - કેશિયરના ભથ્‍થામાં વધારો કરાયો છે, એ ઉપરાંત રાત્રીપાળી ભથ્‍થુ, હવે ૬.૨૫ને બદલે ૨૫ રૂપિયા મળશે, કેશ એલાઉન્‍સ કેશિયરોને ૮૭.૫૦ થી રૂા. ૧૨૫ મળતું હતું તે હવે રૂા. ૪૫૦ થી ૨૨૫ સુધી મળશે. તેમજ ધોલાઇ ભથ્‍થુ ડ્રાઇવર - કંડકટરો - મીકેનીક - વોચમેન વિગેરેને રૂા. ૨૫ મળતુ તે હવે મહિને રૂા. ૧૦૦ મળશે.

ખાસ ભથ્‍થામાં રૂા. ૮૭.૫૦ થી ૧૨૫ મળતુ તે હવે રૂા. ૨૭૫ થી ૩૫૦ મળશે. સ્‍પેશીયલ પે હવે છઠ્ઠા પગારપંચના બેઝીકના ૧૦ ટકા આપવાની જાહેરાત કરાઇ છે. બુથ ભથ્‍થુ જે કર્મચારીઓને વાર્ષિક રૂા. ૭૫ મળતુ તે હવે રૂા. ૫૦૦ મળશે. લાઇન ભથ્‍થુ ડ્રાઇવર - કંડકટરોને મહિને ૩ પૈસા મળતુ (દૈનિક) તે હવે ૧૫ પૈસા તથા રાત્રી રોકાણ દૈનિક રૂા. ૧૨ને બદલે રૂા. ૬૦ મળશે. તેમજ આઉટ સ્‍ટે એલાઉન્‍સ દૈનિક રૂા. ૧૨ને બદલે રૂા. ૬૦ મેળા ભથ્‍થુ રોજનું રૂા. ૨૦ને બદલે રૂા. ૧૦૦ અપાશે. આ ઉપરાંત હેલ્‍પર - આર્ટસી, ડ્રાઇવર, કંડકટર, કલાર્ક, જૂની આસી., વર્ગ-૩ સુપરવાઇઝર (૨૮૦૦થી ૪૪૦૦ ગ્રેડ પે)ને જે હાલ ૧૪૮૦૦થી ૨૧ હજારનો ફીકસ પગાર મળતો તે હવે ૧૫૮૦૦ થી ૧૮૫૦૦ અને ૨૩ હજાર આપવાની પણ જાહેરાત કરાઇ છે.

(11:10 am IST)