Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

શાળાના બાળકોમાં વધી રહ્યા છે ચિંતા અને તણાવ

૮ થી ૧૨ ધોરણના વિદ્યાર્થીઓ વધુ ચિંતાગ્રસ્‍તઃ અભ્‍યાસ : બે વર્ષના અંતરાલ પછી શાળાએ જનાર ઘણાં બાળકોમાં એકઝામ ફોબીયા

અમદાવાદ, તા.૨૨: અભ્‍યાસમાં બે વર્ષના ગેપના કારણે ઘણા બાળકોમાં તણાવ જોવા મળ્‍યો છે અને કેટલાય બાળકોમાં એકઝામ ફોબીયા પણ ઉભો થયો છે. ઓનલાઇન કલાસીસ દરમ્‍યાન ઘણાં બાળકોએ સામાજીક વાતાવરણ ગુમાવ્‍યુ હતું, હવે કલાસરૂમમાં પાછા આવ્‍યા પછી તેમને સામાજીક રીતે જોડાવાની જરૂર છે અને એ બાબતે તેઓ તણાવ અનુભવી રહ્યા છે. નેશનલ કાઉન્‍સીલ ઓફ એજયુકેશનલ રીસર્ચ એન્‍ડ દ્વારા કરવામાં આવેલ ‘મેન્‍ટલ હેલ્‍થ એન્‍ડ વેલબીઇંગ ઓફ સ્‍કૂલ સ્‍ટુડન્‍ટસ' નામના સર્વેમાં આ વિગતો સામે આવી છે.
૨૦૨૨ની શરૂઆતમાં કરવામાં આવેલ આ સર્વેના પરિણામો હાલમાં જાહેર થયા છે. ધોરણ ૬ થી ૧૨ના ૩.૭૯ લાખ બાળકો જેમાં ગુજરાતના પણ ૭૩૮૫ બાળકો હતા તેમનો સર્વે કરાયો હતો. તેનો ઉદ્‌ેશ બાળકોની પોતાને સમજવાની શકિત, અનુભવાતી લાગણીઓ વગેરેનું મૂલ્‍યાંકન કરવાનો હતો.
સર્વેના તારણોએ ઘણી બધી બાબતો પ્રકાશમાં લાવી છે. જેમાં અંગત, લાગણીને લગતી, સામાજીક અને અભ્‍યાસ તથા કારકિર્દીની પસંદગી, તણાવ સાથે લડવું અને હરિફાઇ તથા અભ્‍યાસને લગતી ચિંતાઓ વગેરે સામેલ છે. રીસર્ચરોએ ભણતરને લગતી સામાજીક લાગણીઓ મજબૂત બનાવવાની ભલામણ કરી છે. અમદાવાદના એક બાળકોના સાયકીયાટ્રીસ્‍ટ ડો.જીનેશ શાહે કહ્યું કે ભારત અને વિદેશમાં થયેલ રીસર્ચ દર્શાવે છે કે ૧૪ વર્ષની ઉંમરથી જ માનસિક પ્રશ્‍નો વિકસવાની શરૂઆત થઇ જાય છે.
તેમણે કહ્યું, આ સર્વે એ પણ દર્શાવે છે કે બાળક જેમ જેમ મોટું થાય છે તેમ તેમ અભ્‍યાસ અને શરીરના દેખાવને લગતી ચિંતાઓ વધુ ઝડપથી વિકસવાની શરૂ થઇ જાય છે. આ એવો સમય છે જયારે તેમનો હાથ ઝાલીને તેમને લાગણીસભર ટેકાની જરૂર હોય છે. આવા સમયે નિરાકરણ ના આવે તો મોટી ઉંમરે માનસિક બિમારીઓ થઇ શકે છે.'
શહેરના એક સાયકોલોજીસ્‍ટ પુજા પુષ્‍કર્ણાએ કહ્યું કે તકલીફ સુધી યોગ્‍ય રીતે પહોંચવું અને નિરાકરણ લાવવું તે બાળકની ચિંતા ઘટાડવાની મહત્‍વની ચાવી છે. આ અભ્‍યાસ દર્શાવે છે કે ૮ થી ૧૨માં ધોરણના વિદ્યાર્થીઓમાં ઓળખનો અભાવ, ઘરનું દબાણ, બોર્ડ પરીક્ષાનો ભય અને ભવિષ્‍યની ચિંતા વધતી હોય છે.

 

(11:28 am IST)