Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

હવે મિશન મંગલમ યોજનાના કર્મચારીઓએ ધોકો પછાડયોઃ રપમીથી આંદોલન : ર૬મીએ હડતાલ

ર૦૧૧ થી પડતર પ્રશ્નોનો નિકાલ લાવવા માંગણી : ત્રણ વર્ષથી પગાર નથી વધ્‍યો

રાજકોટ, તા.,૨૨: સરકારની ગ્રામ વિકાસ અંતર્ગત કાર્યરત રાષ્‍ટ્રીય ગ્રામીણ આજીવીકા મિશન યોજના હેઠળની લાઇવલીહુડ પ્રમોશન કંપનીની શરૂઆત વર્ષ ૨૦૧૦ થી કરવામાં આવેલ. વર્ષ ૨૦૧૧થી રાજય જીલ્લા અને તાલુકા સ્‍તરે કર્મચારીઓની ભરતી કરવામાં આવેલ. આ તમામ કર્મચારીની ભરતીની પ્રક્રિયા કાયમી કર્મચારીની ભરતીની પ્રક્રીયા મુજબ જ કરવામાં આવેલ છે. વર્ષ ૨૦૧૧થી જાહેરાતમાં જે પગાર ધોરણ દર્શાવેલ એ પગાર ધોરણથી પણ ૨૦૧૧ થી  ૨૦૧૮ સુધી ઓછો પગાર આપી ગુજરાતભરના મિશન મંગલમના કર્મચારીઓનું શોષણ કરવામાં આવેલ. ૧૨ વર્ષમાં ફકત એક જ વર્ષ ૨૦૧૯ માં કામગીરીનું વાર્ષિક મુલ્‍યાંકન કરી પગાર વધારો ચુકવામાં આવેલ છે.

વર્ષ ૨૦૧૯-૨૦, ૨૦૨૦-૨૧ ત્રણ વર્ષના કર્મચારીના મુલ્‍યાંકન રાજય કક્ષાએ  રજુ કરેલ છે. જે પેન્‍ડીંગ છે. પરંતુ ત્રણ વર્ષના પગાર વધારાની રજુઆત અવારનવાર લેખીત  અને મૌખીક રીતે કરવામાં આવેલ છે. તેમ છતા આજ સુધી કર્મચારીની પગાર વધારાની માંગણી સંતોષવામાં આવેલ નથી. પગાર વધારાની સાથે સાથે જીએલપીસી યોજના  જે તે પોસ્‍ટ મુજબ આઉટસોર્સ કર્મચારીને પણ ‘સમાન કામ સમાન વેતન'નો નિયમ લાગુ પાડી જે તે હોદા મુજબ પગાર મળવો જોઇએ. ૧૫ ટકા પગાર વધારાની મંજુરી વર્ષ ૨૦૧૬ની બોર્ડ ઓફ ડીરેકટરની મીટીંગમાં આપવામાં આવેલ હોવા છતા કેમ પગાર વધારો આપવામાં આવતો નથી એક પ્રશ્ન છે.

ગુજરાત રાજયના જીએલપીસી કર્મચારીની ઉપરોકત માંગણી તા.રપ સુધીમાં નહી સંતોષાય તો, આગામી સમયમાં કાર્યક્રમો યોજવામાં આવશે. સરકાર દ્વારા આગામી સમયમાં યોજાનાર તમામ કાર્યક્રમમાંથી કર્મચારીઓ અળગા રહેશે. તા.૨૬નાં રોજ તમામ કર્મચારી માસસીએલ પર રહેશે. તા.૨૭-૯-ર૦રર થી તમામ કર્મચારી કામથી અળગા (પેન ડાઉન) રહેશે.  તા. ર૯થી ગાંધીનગર ખાતે સામુહીક ધરણા કાર્યક્રમ કરી (ઉગ્ર આંદોલન) કરાશે અને ગ્રામ વિકાસ વિભાગની તમામ યોજનાના કર્મચારીને પણ સાથે જોડવામાં આવશે.

(11:31 am IST)