Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

મહેસાણામાં મનિષ સિસોદિયાનો રોડ શો : બે સભાઓને સંબોધન

‘‘આપ''ની બસ હવે તો પરિવર્તન યાત્રાનો આજે બીજો દિવસ

મહેસાણા,તા.૨૨ : ગુજરાત  વિધાનસભા ચૂંટણીમાં આ વખતે જંપલાવી રહેલી આમ આદમી પાર્ટીની નજર સૌરાષ્‍ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ હવે ઉત્તર ગુજરાતની બેઠકો પર છે. બુધવારથી દિલ્‍હીના શિક્ષણમંત્રી મનીષ સિસોદીયા ૬ દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે તેમના ગુજરાતમાં પરિવર્તન યાત્રાનો બીજો દિવસ છે. ત્‍યારે આજે ‘‘આપ''ની પરિવર્તન યાત્રાનો રથ મહેસાણા જિલ્લામાં પહોંચશે.
 મનીષ સિયોદીયાની ‘‘બસ, હવે તો પરિવર્તન જોઈએ''  યાત્રાનું આજે સવારે ૧૧ વાગ્‍યે મહેસાણામાં રોડ શોનું આયોજન કરવામાં હતું. આ બાદ સાંજે ૪ વાગ્‍યે બહુચરાજીમાં બહુચર માતાના દર્શન કરશે. આ બાદ સાંજે ૫ વાગ્‍યે તેઓ બલોલ ગામમાં સભાને સંબોધશે અને સાંજે ૭ વાગ્‍યે બેચરાજીના ગામભુ ચોકમાં એક સભાને સંબોધન કરશે.
 ૬ દિવસના ગુજરાત પ્રવાસે આવેલા મનીષ સિસોદીયા બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા તથા અમદાવાદ જિલ્લામાં યાત્રા કાઢશે. આ જિલ્લાઓની ૧૫ વિધાનસભા બેઠકો પર તેમની યાત્રા નીકળશે. આ દરમિયાન તેઓ મતદારો સાથે સંપર્ક સાધી તેમને આકર્ષવાનો પ્રયાસ કરશે.
નોંધનીય છે કે, આ વખતે વિધાનસભા ચૂંટણીમાં જંપ લાવી રહેલી ‘‘આપ'' ચૂંટણી પહેલા પૂરજોશમાં પ્રચારમાં લાગી ગઈ છે. ગઈકાલે મનીષ સિસોદીયાએ અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાત લઈ હિંમતનગરથી ‘બસ, હવે તો પરિવર્તન જોઈએ' યાત્રા શરૂ કરાવી હતી. આ બાદ સાંજે ૫ વાગ્‍યે તલોદ ખાતે તથા રાત્રે ૮ વાગ્‍યે પ્રાંતિજમાં પણ જન સભાને સંબોધી હતી.

 

(4:02 pm IST)