Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

લવ જેહાદના મુદ્દે વડોદરામાં વિશ્વ હિન્‍દુ પરિષદ દ્વારા ગરબા આયોજકોને ચિમકીઃ ગરબામાં વિધર્મીને એન્‍ટ્રી અપાશે તો ગરબા નહીં થવા દઇએ

રાત્રી બિફોર ગરબાનું આયોજન કરતા એમએસ યુનિવર્સિટીના વિધર્મી વિદ્યાર્થી નેતા વિહિપની ચેતવણી

વડોદરાઃ ગુજરાતમાં લવ જેહાદના બનાવો બનતા વડોદરામાં વિહિપએ ગરબા આયોજકો વચ્‍ચે ચર્ચા-વિચારણા કરી વિધર્મીને ગરબામાં એન્‍ટ્રી પાસ ન આપવા તાકીદ કરી છે. જો આવુ બનશે તો ગરબાઓ બંધ કરાવીશુ તેવી ચિમકી વિહિપના મંત્રી વિષ્‍ણુ પ્રજાપતિએ આપી છે.

કોરોના બે વર્ષ ભારતના ઉત્સવોને ગળી ગયો. લોકો ઘરમાં પૂરાઈ રહ્યાં, અને તહેવારોને પરિવાર સાથે માણ્યો. ત્યારે હવે માંડ કોરોના જતા ઉત્સવોની ઉજવણી કરવાની તક મળી છે. ત્યારે હવે નવરાત્રિને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. નવરાત્રિમાં સૌથી વધુ ઝાકમઝોળ જ્યાં જોવા મળતી હોય છે તે વડોદરામાં હવે તૈયારીઓ પૂરી થવામાં આવી છે. પરંતું વડોદરામાં નવરાત્રિમાં લવજેહાદનો મુદ્દો ઉઠ્યો છે. વડોદરામાં નવરાત્રિમાં ગરબાને લઈ વિશ્વ હિન્દુ પરિષદે ચીમકી આપી છે. તેમણે ગરબા આયોજકોને ચેતવણી આપી કે, ગરબા આયોજક વિધર્મીને એન્ટ્રી આપશે તો જોવા જેવી થશે.

વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી વિષ્ણુ પ્રજાપતિએ જણાવ્યું કે, અમે આયોજકો સાથે ચર્ચાવિચારણા કરીશું. માંગણી એવી છે કે વિધર્મીઓને પાસ ન આપવા. અમે ગરબા આયોજકોને એક જ વાત કરી રહ્યાં છીએ કે, ગરબામાં વિધર્મીની એન્ટ્રી અટકાવો. ગરબા આયોજક વિધર્મીને એન્ટ્રી આપશે તો જોવા જેવી થશે. ગરબામાં વિધર્મી બાઉન્સર પણ રાખશે તો અમે ગરબા નહિ થવા દઈએ. માતાજીની આરાધનામાં વિધર્મીઓનું શું કામ? સાથે જ તેમણે મુસ્લિમ ધર્મગુરુઓને પણ કહ્યું કે, જે વિધર્મી ગરબા રમવા આવે છે તેના વિરુદ્ધમાં મુસ્લિમ ધર્મગુરુ ફતવા બહાર પાડે. જો મુસ્લિમ ધર્મગુરુ ફતવા બહાર પાડશે તો વિધર્મી લવજેહાદ માટે ગરબા નથી રમતા તેવું માનીશું.

આ ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદ એમએસયુના રાત્રિ બિફોર નવરાત્રિના આયોજનનો પણ વિરોધ દર્શાવ્યો છે. એમ.એસ. યુનિ.નો NSUI નો વિધર્મી વિદ્યાર્થી નેતા રાત્રિ બિફોર ગરબાનું આયોજન કરે છે, તેને બંધ કરવા વિહીપે ચેતવણી આપી છે. આ મુદ્દે તેમણે કહ્યું કે, જો બંધ નહિ કરે તો અમે અમારી ભાષામાં જવાબ આપીશું.

ઉલ્લેખનીય છે કે, ગરબા માટે વડોદરા પ્રખ્યાત છે. તેથી વડોદરાના ગરબા પર સૌની નજર હોય છે. કોરોનાના બે વર્ષ બાદ નવરાત્રિ થઈ રહી છે, ત્યારે હાલ પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. લોકોનો ઉત્સાહ જોતા આ વર્ષે દરેક ગરબા આયોજકોએ લોકોની ભીડને જોતા મેદાન બદલ્યું છે. આ વર્ષે વધુ ખેલૈયાઓ આવે તેવુ આંકડા કહે છે. કારણ કે, વધુ પાસ ડિસ્ટ્રીબ્યુટ થયા છે. તેથી આયોજકોએ 30 હજારથી વધુ લોકોનો સમાવેશ થાય તેવા મેદાન તૈયાર કર્યા છે. જેમાં કેટલાક ગરબામાં 50 હજારની કેપેસિટી રાખવામાં આવી છે. નવલખી મેદાનમાં આયોજિત VNF ગરબાના તૈયારીઓના ડ્રોન કેમેરાના વીડિયો સામે આવ્યો છે. ગરબાના મેદાનના આકાશી દ્રશ્યોમાં જોઈ શકાય છે કે હાલ કેવી તૈયારી ચાલી રહી છે. નવરાત્રિને હવે ચાર દિવસ જ બાકી છે, ત્યારે વડોદરામાં થનગનાટ જોવા મળ્યો છે. 

(4:12 pm IST)