Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો સરહદી કચ્છ જિલ્લાના વિકાસને વેગ આપતો મહત્વપૂર્ણ નિર્ણય: છેવાડાના વિસ્તાર નખત્રાણા જૂથ ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજ્જો અપાયો

નખત્રાણા મોટા-નખત્રાણા નાના અને બેરૂ ગામોનો નખત્રાણા નગરપાલિકામાં સમાવેશ

ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજ્યના સરહદી જિલ્લા કચ્છના છેવાડાના વિસ્તાર નખત્રાણાને નાગરિક સુખાકારીના સમ્મુચિત હક્કો આપતો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

તદઅનુસાર, મુખ્યમંત્રીએ નખત્રાણા જૂથ ગ્રામ પંચાયતના ત્રણ ગામો નખત્રાણા મોટા, નખત્રાણા નાના અને બેરૂ ગામોનો સમાવિષ્ટ કરતી નખત્રાણા નગરપાલિકાની રચના કરવાની મંજૂરી આપી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલે કચ્છના છેવાડાના વિકસીત તાલુકા તરીકે નખત્રાણા જૂથ ગ્રામ પંચાયતના પાણી, વીજળી, ગટર વ્યવસ્થા, બસ સ્ટેશન, બાગ-બગીચા, ટાઉન હોલ તેમજ રસ્તા જેવી માળખાકીય પાયાની સુવિધા-સુખાકારી નાગરિકોને સરળતાએ ત્વરિત મળી રહે તેવા ઉદાત્ત ભાવ સાથે આ નિર્ણય કર્યો છે.
એટલું જ નહિ, નખત્રાણા તાલુકાની નજીકના વિસ્તારોમાં હાલ કાર્યરત ઉદ્યોગો તેમજ ભવિષ્યમાં આવનારા નવા ઉદ્યોગોના પરિણામે આ વિસ્તારમાં ઊભી થનારી નાગરિક સુવિધા સુખાકારીની જરૂરિયાતોને ધ્યાને રાખી નખત્રાણા જૂથ ગ્રામ પંચાયતે નગરપાલિકાનો દરજ્જો મેળવવા સર્વાનુમતે કરેલા ઠરાવને તેમણે અનુમોદન આપ્યું છે.
મુખ્યમંત્રી સમક્ષ આ અંગેની જે દરખાસ્ત કરવામાં આવી હતી તે સંદર્ભમાં પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના પરામર્શમાં રહિને રાજ્ય સરકારે નખત્રાણા જૂથ ગ્રામ પંચાયતના ત્રણ ગામો નખત્રાણા મોટા, નખત્રાણા નાના અને બેરૂ નો સમાવેશ કરી નખત્રાણા નગરપાલિકાની રચના તા. ર૧ સપ્ટેમ્બર-ર૦રરના રોજ કરી છે.
આ નખત્રાણા નગરપાલિકાના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી નખત્રાણાની નિમણૂંક કરતું જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે

(6:47 pm IST)