Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

રાજય સરકારનો મહત્ત્વનો નિર્ણય: કચ્છ ખાતે પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયની સ્થાપના કરાશે: કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલ

કચ્છ ખાતેની આ મહાવિદ્યાલયમાં પ્રવેશની કામગીરી શૈક્ષણિક વર્ષ-૨૦૨૩-૨૪થી વેટરનરી કાઉન્સીલ ઓફ ઇન્ડિયાની માન્યતા મળ્યેથી શરૂ થશે:કચ્છ વિસ્તારના પશુપાલકોને આ મહાવિદ્યાલય દ્વારા અત્યાધુનિક સારવાર અને શિક્ષણની સુવિધા મળશે:આ મહાવિદ્યાલયમાં વિવિધ સંવર્ગની કુલ ૪૨ જગ્યાઓ નિયમિત ધોરણે તેમજ કુલ ૩૨ જગ્યા આઉટસોર્સિંગથી મળીને કુલ ૭૪ જગ્યાના મહેકમ મંજૂર

ગાંધીનગર :કૃષિ મંત્રી રાધવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં પશુપાલકોને તેમના પશુધન માટે સારી સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકારે અનેકવિધ નિર્ણયો કર્યા છે. જેના ભાગરૂપે કચ્છ જિલ્લાના પશુપાલકોને મદદરૂપ થવા માટે કચ્છ ખાતે નવીન પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયની સ્થાપના કરવાનો રાજય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. કચ્છ ખાતેની આ મહાવિદ્યાલયમાં પ્રવેશની કામગીરી શૈક્ષણિક વર્ષ-૨૦૨૩-૨૪થી VCIની માન્યતા મળ્યેથી શરૂ કરાશે. કચ્છ વિસ્તારના પશુપાલકોને આ મહાવિદ્યાલય દ્વારા અત્યાધુનિક સારવારની સુવિધા મળશે. આ માટે  મહાવિદ્યાલયમાં વિવિધ સંવર્ગની કુલ ૪૨ જગ્યા નિયમિત ધોરણે તેમજ કુલ ૩૨ જગ્યા આઉટસોર્સિંગથી મળીને કુલ ૭૪ જગ્યાનું મહેકમ પણ મંજૂર કરાયું છે.
મંત્રીએ ઉમેર્યું કે, રાજ્યમાં પશુપાલકોને સારવાર તેમજ વૈજ્ઞાનિક ઢબે પશુપાલન અંગેની માહિતી મળી રહે તે માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની દીર્ઘદૃષ્ટિ અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્ય, પશુપાલન મંત્રી રાધવજીભાઇ પટેલ, રાજ્ય પશુપાલન મંત્રી દેવાભાઇ માલમના પ્રયત્નોથી કચ્છ વિસ્તારના પશુપાલનના વિકાસને ધ્યાને રાખીને ગુજરાત સરકાર દ્વારા વેટરનરી કાઉન્સિલ ઓફ ઇન્ડીયા(VCI), નવી દિલ્હીના ધારાધોરણ મુજબ કામધેનુ યુનિવર્સિટી હસ્તક એક નવી પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયની સ્થાપના કરવા સારુ વર્ષ ૨૦૨૨-૨૩ના અંદાજપત્રમાં પ્રથમ વર્ષ માટે રૂ.૫૦૦.૦૦ લાખ પૂરાની નાણાકીય જોગવાઇ કરવામાં આવી છે.
તેમણે કહ્યું કે, ગુજરાત રાજ્ય વિવિધ પશુઓની ઓલાદોથી સંપન્ન છે. જેમાં વિસ્તારની દૃષ્ટિએ રાજયનો સૌથી મોટો કચ્છ જિલ્લો વિશ્વ વિખ્યાત કાંકરેજ ગાય, બન્ની ભેંસો, કચ્છી ધોડા, પાટણવાડી ધેટા, કાહ્મી બકરા અને કચ્છી તથા ખારાઇ ઊંટ માટે જાણીતો છે. રાજ્યના આ પશુધનની તંદુરસ્તી અને ઉત્પાદકતા સુધારવા ગુજરાત સરકાર નિરંતર પ્રયત્નો કરતી રહી છે. પશુપાલન ગુજરાતનો એક અગત્યનો વ્યવસાય છે, જેના માટે સક્ષમ, કુશળ, તાંત્રિક માનવબળની જરૂર રહે છે. રાજ્યમાં પ્રવર્તમાન પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયોમાંથી ઉત્તીર્ણ થતા સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ/પશુચિકિત્સકોની સંખ્યા માંગના પ્રમાણે ઓછી છે. હાલમાં રાજય સરકારનું પશુપાલન ખાતુ, સહકારી ડેરી, સ્વૈચ્છિક સંસ્થા અને ખાનગી પશુચિકિત્સકો પશુપાલન વ્યવસાયમાં સેવા આપે છે.
હાલ રાજ્યમાં કચ્છ ખાતે પણ પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયની સ્થાપનાને મંજૂરી આપવામાં આવતા રાજ્યમાં કુલ ૬ વેટરનરી કોલેજો કાર્યરત થશે. હાલ દર વર્ષે અંદાજે ૩૦૦ પશુચિકિત્સકોની જગ્યાએ, શરૂઆતમાં ૬૦ જેટલા પશુચિકિત્સકો પાંચ વર્ષ બાદ બહાર પડશે તેમજ જ્ગ્યાઓમાં વધારો થવાથી ભવિષ્યમાં દર વર્ષે અંદાજે ૫૦૦ જેટલા પશુચિકિત્સકો તૈયાર થાય તે પ્રમાણેનુ આયોજન છે.
મંત્રીએ ઉમેર્યું કે, કચ્છ વિસ્તારના પશુપાલકોને આ મહાવિદ્યાલય દ્વારા અત્યાધુનિક સારવારની સુવિધા મળશે અને ગુજરાત રાજ્યમાં પશુચિકિત્સકો પર્યાપ્ત સંખ્યામાં ઉપલબ્ધ થશે જેથી આધુનિક ઢબે પશુપાલનથી આજીવિકામાં નોંધપાત્ર વધારો થશે

(6:50 pm IST)