Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

સૌમ્ય વ્યકતિત્વ ધરાવતા મહેસુલ મંત્રીની માનવતા મહેકી : કર્મચારીનું દામ્પત્યજીવન તૂટતાં બચાવી લીધુ

કર્મચારીની સાચી વાત સાંભળી અને જાણ્યા પછી મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ તત્કાલ પંજાબ ફોન જોડ્યો અને ન્યાયપૂર્ણ અભિગમ અપનાવ્યો

ગુજરાતના પુર્વ વિધાનસભા અધ્યક્ષ અને હાલના કાયદા અને મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી. તેમની કામ કરવાની સ્ટાઇલ કંઇક અલગ છે. મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી જે પ્રકારે કામગીરી કરી રહ્યા છે તેને ચારે તરફથી આવકાર મળી રરહ્યો છે. તાજેતરમાં જ તેમણે કહ્યુ હતું કે જો કોઇ તમારી પાસે લાંચ માગે તો તેનો વિડીયો બનાવી મને મોકલજો. તમને ન્યાય જરૂર મળશે. આ વાત એટલા માટે સો ટંચના સોના જેવી અને સત્ય છે કે સાચી વાત સાંભળી અને જાણ્યા પછી રાજેન્દ્ર ત્રિવેદી કેવી રીતે ન્યાય અપાવે છે તેનું તાજુ ઉદાહરણ આજે જોવા મળ્યું છે.

વાત એમ છે કે મુળ અમદાવાદના અને હાલમાં બનાસકાંઠામાં ફરજ બજાવતા એક મહેસુલ કર્મચારીની છેલ્લા આઠ વર્ષથી બદલી થતી ન હતી. સતત વ્યસ્તતા અને કામના ભારણને લીધે તેઓ અમદાવાદ સ્થિત પરિવારને પણ સમય આપી શકતા ન હતા. લાંબા સમયની આ સમસ્યા અને એકલતાથી કંટાળી તેમની પત્ની પોતાના બે બાળકો સાથે પંજાબ પોતાના પિયરમાં ચાલી ગઇ હતી. અને આ કર્મચારીનું ઘર તૂંટવાના આરે આવીને ઉભુ હતું. આ કર્મચારી માટે બનાસકાંઠાથી અમદાવાદની બદલી જરૂરી બની ગઇ હતી.

આ મુશ્કેલીનો માર્ગ કાઢવા માટે કોઇ જાતના સંશય વિના અને કોઇ વચેટિયાઓની મદદ વિના આ મહેસુલ કર્મચારી સીધા જ મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પાસે પહોચી ગયા. જ્યાં રાજેન્દ્ર ત્રિવેદી તેમની ઓફિસમાં અરજદારોને બોલાવી તેમની સમસ્યાઓ સાંભળી અને તેમના પ્રશ્નોનું નિરાકરણ કરે છે. ત્યાં પહોચીને આ કર્મચારીએ પોતાની વ્યથા રાજેન્દ્ર ત્રિવેદી સમક્ષ રજુ કરી. તેની વાત સાંભળીને મુળ વકીલ અને સમાજસેવક રાજેન્દ્ર ત્રિવેદીએ કર્મચારીની ગંભીરતાને સમજી. અને ત્યાંજ હાજર લોકોની વચ્ચે કર્મચારી પાસે તેની પત્નીનો મોબાઇલ નંબર માંગ્યો જેની તેને કલ્પના પણ ન હતી. આ નંબર પંજાબનો હતો. રાજેન્દ્ર ત્રિવેદીએ નંબર જોડીને સીધી આ કર્મચારીની પત્ની સાથે વાત કરી. અને પંજાબ જવા અંગેનું કારણ પણ પુછ્યું. તેના પ્રત્યુતરમાં કર્મચારીની પત્નીએ જણાવ્યુ કે ‘હું આઠ વર્ષથી અમદાવાદમાં એકલી રહું છું. મારા પતિ અતિશય કામના ભારણ અને વ્યસ્તતાના લીધે અમદાવાદ આવી શકતા નથી. અને એકલતાથી હુ પિડાઇ રહી હતી. મારી પાસે બીજો કોઇ વિકલ્પ ન હતો. એટલે હું પંજાબ આવી ગઇ છું.’

આ વાત સાંભળીને મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની માનવતા મહેકી ઉઠી. આ મહેસુલ કર્મચારીની વાત સાચી હતી. અને તેની ખરાઇ પણ થઇ ગઇ હતી. તમામની હાજરીમાંજ આ કર્મચારીની સચ્ચાઇ અને તેની સમસ્યાને જોતાં રાજેન્દ્ર ત્રિવેદીએ તેને બનાસકાંઠાથી અમદાવાદ બદલીનો ઓર્ડર કરી આપ્યો. આ જોઇને હાજર સૌ કોઇએ મહેસુલમંત્રીના આ માનવતાપુર્ણ નિર્ણયને તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધો.

ઘણી વાર એવું બનતું હોય છે કે આવા કર્મચારીઓ પોતાની સમસ્યાના નામે અધિકારીએ પદાધિકારીઓને ઉંધા ચશ્મા પણ પહેરાવી દેતા હોય છે. પણ મુળ વકીલ એવા મહેસુલ મંત્રીએ ત્વરીત જાણકારી મેળવીને કર્મચારીની સમસ્યાનું સમાધાન પણ તત્કાલ કરી આપ્યું. અને તેની જાણકારી પણ મહેસુલ કર્મચારીની પત્નીને કરાઇ. હવે ટુંક સમયમાં પંજાબ જતી રહેલી કર્મચારીની પત્ની અમદાવાદ પરત ફરશે. આમ આટલા મોટા પદ પર બિરાજમાન રાજેન્દ્ર ત્રિવેદીની સરળતા, સહજતા અને તેમની માનવતાપ્રિય વિચારધારાનું ઉદાહરણ જોવા મળ્યું. જો સત્તામાં બેઠેલા દરેક મંત્રીઓ રાજેન્દ્ર ત્રિવેદીની જેમ જ આ પ્રકારનું કામકાજ કરે. તો સામાન્ય જનતાની અનેક મુશ્કેલીઓનું નિવારણ ઘડીના છઠ્ઠા ભાગમાં આવી જાય. અને એક સત્તાધિશ સામે ગૌરવ જ નહી માન પણ થાય. પણ શું દરેક મંત્રીઓ આ માર્ગે ચાલશે ખરા?

(11:58 pm IST)