Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

તહેવારોમાં વડોદરામાં બજારોમાં લુખ્ખાતત્વોનો ત્રાસ : વેપારીઓ ગ્રાહકોને સુરક્ષા આપો :પોલીસને રજૂઆત

મહિલાઓ યુવતીઓની છેડતી તેમજ ભીડ ભાડનો લાભ લઈ ખિસ્સા કાતરુંઓથી ગ્રાહકોને કડવો અનુભવ :ટ્રાફિક જામની સમસ્યા હલ કરવા પણ રજૂઆત કરી

વડોદરામાં બજારોમાં તહેવારની ખરીદી ધમધમી છે તો બીજી તરફ આવારા ત્તત્વોનો ત્રાસ પણ ખુબ વધ્યો હોવાની ફરીયાદો ઉઠી છે. વડોદરા શહેરના વેપારી આગેવાનોએ લુખ્ખા ત્તત્વોના ત્રાસથી કંટાળી બજારમાં પોલીસ બંદોબસ્ત વધારવા વડોદરા પોલીસ કમીશ્નરને રજૂઆત કરી છે. તેમજ તહેવારોની ખરીદી દરમિયાન બજારોમાં થતા ટ્રાફિક જામની સમસ્યા હલ કરવા પણ રજૂઆત કરી છે.

નવરાત્રીના સમયગાળા દરમ્યાન જામેલા ખરીદીના માહોલમાં કેટલાક વિસ્તારોમાં અમુક ટપોરીઓએ મહિલાઓ યુવતીઓની છેડતી કરી હતી. તેમજ ભીડ ભાડનો લાભ લઈ ખિસ્સા કાતરુંઓથી ગ્રાહકોને કડવો અનુભવ થયો હતો. જેથી ગ્રાહક અને વેપારીને આવા કડવા અનુભવ ન થાય તે માટે ફૂટ પેટ્રોલિંગ વધારવા વેપારી આગેવાનોએ પોલીસ પાસે માગ કરી છે.

નોંધનીય છેકે સંસ્કારી નગરીની ઓળખ ધરાવતું વડોદરા હવે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયું છે. આ ઉપરાંત, આ શહેરમાં કોરોના મહામારી બાદ ક્રાઇમ રેશિયો ખાસ્સો એવો વધ્યો છે. શહેરમાં છેલ્લા કેટલાક સમયથી હત્યા અને દુષ્કર્મ સહિતના કેસોમાં વધારો નોંધાયો છે. ત્યારે વડોદરામાં હવે સામાન્ય લોકોની સુરક્ષાને લઇને અનેક સવાલો થઇ રહ્યાં છે. ત્યારે તહેવારોમાં અસામાજિક તત્વો વડોદરાના વેપારીઓ પાસેથી ઉઘાડી લૂંટ ચલાવતા હોય છે. ત્યારે આ મામલે હવે પોલીસે કડક પગલા ભરવા અનિવાર્ય છે.

(1:12 pm IST)