Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

જનસુખાકારીના લાભો માટે અને નાગરિકોની વ્યક્તિલક્ષી રજૂઆતોનો સ્થળ પર નિકાલ માટે રાજયવ્યાપી શરૂ થયેલ સેવા સેતુ કાર્યક્રમને વ્યાપક જન પ્રતિસાદ

છેલ્લા છ તબક્કામાં યોજાયેલ "સેવાસેતુ" કાર્યક્રમ અંતર્ગત સરેરાશ ૯૯.૮૪ ટકા સિદ્ધિ : ૨.૦૪ કરોડ અરજીઓનો સ્થળ પર નિકાલ

રાજ્યના સામન્ય વહીવટ વિભાગ દ્વારા જણાવ્યાનુસાર રાજ્યના નાગરિકોને જનસુખાકારીના લાભો સત્વરે મળે અને નાગરિકોની વ્યક્તિલક્ષી રજૂઆતોનો સ્થળ પર નિકાલ થાય એ માટે રાજ્ય સરકારે શરૂ કરેલ "સેવા સેતુ" કાર્યક્રમને વ્યાપક જન પ્રતિસાદ સાંપડયો છે. છેલ્લા છ તબક્કામાં યોજાયેલા આ સેવા સેતુ કાર્યક્રમ હેઠળ ૯૯.૮૪ ટકા સિદ્ધિ હાંસલ કરાઈ છે. જેમાં ૨.૦૪ કરોડ અરજીઓનો સ્થળ પર નિકાલ કરીને નાગરિકોને સેવાઓ પૂરી પાડવામાં આવી છે.

રાજય સરકાર દ્વારા હાથ ધરાતી અનેકવિધ લોકપયોગી યોજનાઓ, પ્રવૃત્તિઓ તથા વહીવટ પરત્વે પ્રજાના પ્રશ્નોનો ન્યાયિક, ચોકકસ તથા ઝડપી ઉકેલ આવે તે માટે સુગ્રથિત વહીવટી માળખાકીય વ્યવસ્થા રાજય, જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય સ્તરે કાર્યરત છે.

રાજય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભો નાગરિકોને સતત મળતા રહે તે માટે વહીવટમાં કાર્યક્ષમતા, પારદર્શકતા, સંવેદનશીલતા તથા જવાબદારીપણું (Accountability)ની બાબતને રાજય સરકાર દ્વારા હાર્દ સમાન ગણીને આયોજન કરાય છે. 

રાજય સરકારના પારદર્શક, સંવેદનશીલ વહીવટી તંત્રને વેગવંતુ બનાવવાના હેતુથી નાગરિકોની વ્યકિતલક્ષી રજૂઆતોનો સ્થળ પર નિકાલ થાય, એક જ સ્થળે જવાબો મળી રહે તે માટે રાજય સરકારે તાલુકા કક્ષાએ તેમજ નગરપાલિકા અને મહાનગરપાલિકા કક્ષાએ ‘‘સેવા સેતુ’’ કાર્યક્રમ તા.૨૬/૧૦/૨૦૧૬થી યોજવાનું શરૂ કર્યું છે. ‘‘સેવાસેતુ કાર્યક્રમ”નો પાંચમો તબકકો તા.૩૧/૦૧/૨૦૨૦ના રોજ પૂર્ણ થયો છે. તા.૦૨/૦૮/૨૦૨૧ ને સોમવારના રોજ સમગ્ર રાજ્યમાં ‘સંવેદના દિવસ’ તરીકે એક દિવસીય સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના ગ્રામ્ય કક્ષાએ અને નગરપાલિકા-મહાનગરપાલિકા ક્ક્ષાએ કુલ ૪૩૩ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે અને સાતમા તબક્કાની તા.૨૧-૧૦-૨૦૨૧થી શરૂઆત થઈ છે. 

સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં સંબંધિત અધિકારીઓની એક સમિતિ બનાવીને આયોજન કરવામાં આવે છે, જેમાં એક તાલુકામાં ૫ થી ૬ ગામો વચ્ચે એક ગામે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં જુદા-જુદા ૧૩ અધિકારીઓની ટીમ તેમજ શહેરી કક્ષાએ મહાનગરપાલિકામાં નાયબ મ્યુનિસિપલ કમિશ્ન્રરશ્રીની અધ્યક્ષતામાં તેમજ નગરપાલિકામાં જિલ્લા મ્યુનિસિપલ અધિકારીશ્રીની અધ્યક્ષતામાં કુલ-૧૧ અધિકારીશ્રીઓની ટીમ દ્વારા કેમ્પ ગોઠવી કોઈપણ પ્રકારની અરજી ફી લીધા સિવાય સવારના ૯ થી સાંજના પ વાગ્યા સુધી સ્થળ ઉપર જ રજૂઆતોનો નિકાલ કરવામાં આવે છે.

 ગ્રામ્ય કક્ષાએ દરેક પ્રાંતમાં માસિક ઓછામાં ઓછા ૨ કેમ્પ યોજવામાં આવ્યા છે અને શહેરી કક્ષાએ મહાનગરપાલિકામાં વોર્ડ દીઠ એક યુનિટ બનાવી મહિનામાં ઓછામાં ઓછા બે કાર્યક્રમનું આયોજન તેમજ નગરપાલિકા કક્ષાએ બે-ત્રણ વોર્ડનું એક યુનિટ બનાવી મહિનામાં ઓછામાં ઓછા ર કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ‘‘સેવા સેતુ’’ કાર્યક્રમમાંપ્રજાને સેવાઓ જેવી કે કોવિડ-૧૯ મહામારી દરમ્યાન અનાથ બનેલા બાળકોની સહાય, વિધવા, વિકલાંગ અને વૃદ્ધોને સહાય, આવકના દાખલાઓ, રાશન કાર્ડને લગતી અરજીઓ, આધાર કાર્ડ, મા વાત્સલ્ય કાર્ડ(અરજી), મા અમૃતમ કાર્ડ(અરજી), વરિષ્ઠ નાગરિકતા પ્રમાણપત્ર, દિવ્યાંગતા પ્રમાણપત્ર, વિધવા સહાય અને વૃધ્ધ નિરાધાર સહાય યોજના, અધારકાર્ડ વગેરે જેવી કુલ ૫૭ સેવાઓ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં સમાવેશકરવામાં આવેલ છે.

સેવાસેતુના ૧ થી ૫ તબક્કાની અને સંવેદના દિવસના યોજાયેલ એક દિવસીય સેવાસેતુ કાર્યક્રમની આંકડાકીય માહિતી નીચે મુજબ છે.  

(4:57 pm IST)