Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

વડોદરાના લાલોડ ગામમાંથી 6 દિવસના બાળકનું નિંદ્રાધીન માતાની બાજુમાંથી અપહરણઃ બાળકનો ઉપયોગ તાંત્રિકવિધી માટે થયો હોવાની ભારે ચર્ચા

માતા-પિતા અને પોલીસ દ્વારા શોધખોળઃ ડોગ સ્‍કવોડ અને એફએસએલની મદદ લેવાઇ

વડોદરા: વડોદરાના લાલોડ ગામનુ છ દિવસનું બાળક બે દિવસથી ગુમ થયું છે. બાળક તેના માતા પાસે સૂતુ હતુ ત્યારે કોઈ તેને ઉપાડીને લઈ ગયુ હતું. ત્યારે બે દિવસથી ગુમ બાળકનું અપહરણ થયું હોવાની પરિવારજનોને આશંકા છે. તેમજ બાળકનો ઉપયોગ કોઈ તાંત્રિક વિધિમાં પણ થયો હોવાની ચર્ચા ઉઠી છે. હાલ વાઘોડિયા પોલીસે બાળકને શોધવા ચક્રો ગતિમાન કર્યાં છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, પુનમભાઈ દેવીપૂજકનો પરિવાર વાઘોડિયા તાલુકના જરોદ પાસેના લીલોરા ગામે રહે છે. તેમની પત્ની સંગીતાબેને 15 ઓક્ટોબરના રોજ બાળકને જન્મ આપ્યો હતો. બીજા જ દિવસે તેઓ દીકરાને લઈને ઘરે આવ્યા હતા. ત્યારે રાત્રે તેઓ દીકરાને લઈને સૂતા હતા ત્યારે બે વાગ્યાની આસપાસ તેમની આંખ ખૂલી હતી. તેમણે જોયુ તો બાજુમાં તેમનુ બાળક ન હતું. આ જોઈ તેમણે બૂમાબૂમ કરી હતી. આસપાસના પાડોશીઓ પણ મદદે દોડી આવ્યા હતા. તમામ લોકો બાળકને શોધવામાં લાગ્યા હતા. પણ બાળક ક્યાંય મળ્યુ ન હતું. આખરે પુનમભાઈ અને સંગીતાબેન ભાંગી પડ્યા હતા.

સમગ્ર મામલે બાળકનુ અપહરણ થયુ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પુનમભાઈનો પરિવાર કાચા ઝુપડામાં રહે છે. તેથી અપહરણકર્તા સરળતાથી બાળકને ઉઠાવવામાં સફળ રહ્યો હતો. સમગ્ર ઘટના બાદ DYSP સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

બાળકને શોધવામાં ડોગ-સ્ક્વોડ અને FSLની મદદ પણ લેવામાં આવી રહી છે. પોલીસ હાલ તમામ વિસ્તારોમાં બાળકને શોધી રહી છે. હાલ બાળકો ચોરવાની ઘટના વધી રહી છે, આવામાં બાળ તસ્કરી પણ થઈ હોવાની શંકા સેવાઈ રહી છે.

(5:43 pm IST)