Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ સાણંદના દાદાગ્રામ આશ્રમ ખાતે અમિતભાઇ શાહના જન્‍મદિનની ઉજવણીમાં જોડાયાઃ ઉમિયા માતાજીના દર્શન કરીને ગુજરાતની સુખ, શાંતિ, સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી

ગુજરાતના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા આહવાન

અમદાવાદઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતેના દાદાગ્રામ આશ્રમ ખાતે ભૂલકાંઓની ઉપસ્થિતિમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના જન્મદિનની ઉજવણી પ્રસંગે સંબોધનમાં કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહની દરિદ્ર નારાયણની સેવાનું સપનું સાકાર કરવા માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે. ગુજરાત સરકાર સામાન્ય માણસના પ્રશ્નોને ઉકેલવા માટેના ધ્યેયમંત્ર સાથે ચાલે છે અને પ્રજાના પ્રશ્નો સ્થાનિક સ્તરે જ ઉકેલાય તે પ્રશાસનને સૂચના આપવામાં આવી છે. ગામડાઓના વિકાસ પર ધ્યાન આપવાનો હંમેશા અમિત શાહનો આગ્રહ રહ્યો છે અને તેથી જ આજે તેમના જન્મદિવસે ગ્રામ્ય વિસ્તારમાં સેવા સેતુ કાર્યક્રમના શુભારંભ થકી તેમના જન્મદિનની આપણે ઉજવણી કરી રહ્યા છીએ, નરેન્દ્રભાઈ અને અમિતભાઈએ ગુજરાતમાં જે વિકાસની કેડી કંડારી છે તે પથ પર ચાલીને ગુજરાતને સર્વોત્તમ બનાવીશું

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ આ અવસરે કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ અને સહકારક્ષેત્રમાં થઈ રહેલા વિકાસકાર્યોની સરાહના કરતા કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આગ્રહ છે કે પ્રાકૃતિક ખેતી દ્વારા દેશના  નાગરિકોને ઝેરમુક્ત ખોરાક મળે અને તે દિશામાં રાજ્ય સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ ગુજરાતના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટેનું પણ આહવાન કર્યું હતું. આ અવસરે દાદાગ્રામ આશ્રમના ટ્રસ્ટીઓ અને સ્થાનિક પદાધિકારીઓ દ્વારા મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. નાના ભૂલકાંઓએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને જન્મદિનની શુભેચ્છા પાઠવતા ગીત ગાયા હતા.  

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ સાણંદ ખાતેના ઉમિયા માતાના દર્શન કરીને ગુજરાતના સુખ, શાંતિ અને સમૃદ્દિ માટેની કામના કરી હતી. આ કાર્યક્રમમાં પ્રદિપસિંહ વાઘેલા,અમદાવાદ જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, સાણંદ નગરપાલિકાના પ્રમુખ તેમજ  દાદાગ્રામ આશ્રમના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(5:51 pm IST)