Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

અમદાવાદ પોલીસ કમિશનર ઓફિસ બહાર કોર્પોરેશન તંત્રએ ખાડો ખોદતા વાહનચાલકોની સાથોસાથ એમ્‍બ્‍યુલન્‍સ પણ ફસાઇ ગઇ

કેટલીક કામગીરીના કારણે ટ્રાફિક જામની સ્‍થિતિથી નાગરિકો હેરાન

અમદાવાદઃ અમદાવાદ પોલીસ કમિશનર ઓફિસ બહાર AMC દ્વારા ખોડી ખોદી નાંખતા વાહન ચાલકોમાં ભારે હાલાકી જોવા મળી રહી છે. જો કે, વાહનો તો ઠીક પણ એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ હતી. શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની કેટલીક કામગીરીઓના કારણે રોડ ખોદવામાં આવે છે, જેથી નાગરિકોને અનેક સમસ્યાઓ ભોગવવી પડે છે.

અમદાવાદ પોલીસ કમિશનર ઓફિસ પાસે દિવસે સતત ધમધમતા ટ્રાફિક જોવા મળે છે. તેવામાં આવા મેઈન રોડ પર જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 2 દિવસથી ખોદકામ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે સતત ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સવારે પીકઅવર્સમાં પોલીસ કમિશનર ઓફિસથી અંડરબ્રિજ સુધી લાંબી લાઈનો લાગે છે. આ રોડ પરથી સતત એમ્બ્યુલન્સ પણ પસાર થતી હોય છે, ત્યારે સર્જાયેલા આ ટ્રાફિક જામમાં ફસાઈ જાય છે. આજે સવારે પણ બે એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાઈ ગઈ હતી.

પોલીસ કમિશનર ઓફિસ પાસે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા બે દિવસથી પાઇપલાઇનનું કામ શરૂ કરવામાં આવ્યું છે. દિવસે રોડ સતત ધમધમતો હોવા છતાં કોર્પોરેશન પોતાની કામગીરી રાત્રે કરવાને બદલે સવારે કરે છે. સામાન્ય રીતે જો રોડ પર દૈનિક હજારો વાહનો પસાર થાય ત્યારે એક રોડ અડધો ખોદી નાખવામાં આવે ત્યારે કેટલો ટ્રાફિક જામ થાય તેની કોર્પોરેશનના અધિકારીઓ જાણતા હોવા છતાં તેઓ દ્વારા ઝડપથી કામગીરી પુરી કરવાની જગ્યાએ ત્યાં રોડ ખોદીને રાખવામાં આવ્યો છે. સવારે અને સાંજે બંને ટાઇમ ત્યાં ટ્રાફિક જામ થાય છે.

(5:51 pm IST)