Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

હિંમતનગરની સાબરડેરીમાં પનીર વિભાગમાં ફરજ બજાવતા બે કર્મચારીઓ દુધના પાઉચની ચોરી કરી છૂમંતર.....

હિંમતનગર : હિંમતનગરની સાબરડેરીમાં દુધ વિતરણ વિભાગ તથા પનીર વિભાગમાં ફરજ બજાવતા બે કર્મચારીઓ અમુલ દુધના પાઉચોની ચોરી કરતા સાબરડેરીના સી.સી.ટી.વી. કંટ્રોલ રૃમના કેમેરામાં કેદ થઈ જતા સિકયુરીટી ઓફિસરની ફરીયાદના આધારે પોલીસે દુધ ચોરીમાં સંડોવાયેલા બન્ને કર્મચારીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હિંમતનગરની સાબરડેરી ખાતે ગત રોજ ૨૦ ઓક્ટોંબર ૨૦૨૧ના રોજ આશરે ૪ વાગ્યાના સમય ગાળા દરમિયાન સાબરડેરીમાં દુધ વિતરણ વિભાગ તથા પનીર વિભાગમાં ફરજ બજાવતા અર્જુનસિંહ રજુસિંહ મકવાણા ઉ.વ. ૨૩ અને નટવરસિંહ ગોબરસિંહ મકવાણા બન્ને (રહે. બોરીયાખુરાદતા. હિંમતનગર)એ દુધ વિતરણ વિભાગમાંથી અમુલ ગોલ્ડ દુધના પાઉચ ૫૦૦ એમ.એલ.ના ૧ પાઉચની કિંમત રૃા. ૨૯ લેખે કુલ અમુલ ગોલ્ડ દુધના પાઉચ નંગ ૪૮ કિંમત રૃા. ૧૩૯૨ની ચોરી કરી નાસી છુટવાની ફિરાકમાં હતા. તે દરમ્યાન સાબરડેરીના કર્મચારી નિલેશભાઈ પટેલે જોઈ લેતા બન્ને કર્મચારીઓ જે તે જગ્યા ઉપર જ દુધના પાઉચ મુકી નાસી છુટયા હતા. દરમ્યાન નિલેશભાઈ પટેલે અમુલ દુધના પાઉચ સાબરડેરીના વિતરણ વિભાગમાં ઓપરેટર સચિનભાઈ પટેલને જમા કરાવ્યા હતા અને દુધની ચોરી કરનાર બન્ને કર્મચારીઓને ઝડપી પાડવા સિકયુરીટી ઓફિસર અશોકભાઈ શર્માને જાણ કરી હતી. પરંતુ દુધ ચોરીમાં સંડોવાયેલા બન્ને કર્મચારીઓનો કોઈ અત્તો પત્તો લાગ્યો ન હતો છેવટે સાબરડેરીના સી.સી.ટી.વી. કેમેરાના કંટ્રોલ રૃમના સી.સી.ટી.વી. ફુટેજની તપાસ હાથ ધરતા દુધ ચોરીમાં સંડોવાયેલા બન્ને કર્મચારીઓ દુધના પાઉચની ચોરી કરતા આબાદ રીતે સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થઈ ગયા હતા. દરમ્યાન બીજા દિવસે બન્ને કર્મચારીઓ સાબરડેરી ખાતે રાબેતા મુજબ નોકરી કરવા આવતા સાબરડેરી દ્વારા દુધ ચોરીમાં સંડોવાયેલા બન્ને કર્મચારીઓને હિંમતનગર એ.ડીવીઝન પોલીસ મથકે સોપવામાં આવ્યા હતા. દુધ ચોરીના સમગ્ર મામલે સાબરડેરીમાં સિક્યુરીટી ઓફિસર તરીકે ફરજ બજાવતા અશોકભાઈ પશાભાઈ શર્માએ બન્ને કર્મચારીઓ વિરૃધ્ધ હિંમતનગર એ.ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

(6:04 pm IST)