Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

પાલનપુર શહેરમાં કચરો જાહેર રોડ પર ઠાલવવામાં આવતા લોકોના સ્વાસ્થ્યને જોખમ

પાલનપુર:શહેરમાં ડોર ટૂ ડોર ઘન કચરાનો જ્યાં નિકાલ કરવામાં આવે છે તે માલણ રોડની ડંપિંગ સાઈડ પર કચરાનો ભરાવો થતા હવે શહેરનો કચરો જાહેર રોડ પર ઠાલવવામાં આવતા માલણ જતો માર્ગ બંધ થઈ જવા પામ્યો છે. જોકે જાહેર રોડ પરની ગંદકી દૂર કરવા અનેક વાર રજુઆતો કરવા છતાં કોઈ પરીણામ ન આવતા આ વિસ્તારમાં ભારે પ્રદુષણ ફેલાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.

સમસ્યાઓનું ઘર બનેલા પાલનપુર શહેરમાં દિનપ્રતિદિન સમસ્યાઓમાં વધારો થઈ રહ્યો છે.પરંતુ તંત્ર સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં ઉણું ઉતરતા લોકોને પારાવાર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.જેમાં હાલ માલણ જવાના  માર્ગ પર ગંદકી ના ઢગ ખડકાવાથી પાલનપુરથી ૨૫ જેટલા ગામને જોડતો માર્ગ બંધ થઈ જવા પામ્યો છે.જોકે આ માર્ગ પર આવેલ ડંપિંગ સાઈડ પર કચરોને ગંદકીનો ભરાવો થઈ જતા હવે ડોર ટુ ડોર કચરો એકઠો કરતા વાહનો જાહેર માર્ગ પર કચરો ઠાલવી દેતા હોવાથી માલણ જતા માર્ગ પર વાહન વ્યવહાર  સદંતર બંધ થઈ જવા પામ્યો છે.  વાહન ચાલકોને ઘણીયાના ચોકડીથી માલણ જવાની ફરજ પડી રહી છે.જોકે તંત્ર દ્રારા આ ગંદકીનો નિકાલ કરવા માં ન આવતા આ વિસ્તારમાં ભારે પ્રદુષણ ફેલાવાથી લોકોનું આરોગ્ય જોખમમા મુકાઈ રહ્યું છે ત્યારે પાલનપુર પાલીકા તંત્ર દ્વારા માલણ રોડ પરની ગંદકી દૂર કરાવે તેવી માંગ ઉઠી છે.

(6:06 pm IST)