Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

કઠલાલ તાલુકાના ફાગવેલ નજીક કારનો કાચ તોડી અજાણ્યો શખ્સ 4 લાખની રોકડ ઉઠાવી છુમંતર....

કઠલાલ:તાલુકાના ફાગવેલ ખાતે ખુલ્લામાં પાર્ક કરેલી ઈકો કારનો કાચ તોડી કોઈ અજાણ્યો શખ્સ કારમાં મુકેલા રૂ.૪,૦૮,૦૦૦ ની રોકડ તેમજ ચેકબુક સાથેનો થેલો ચોરી ફરાર થયો હોવાની ફરિયાદ કઠલાલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. બનાવથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

દિવાળીના તહેવારો પહેલા કઠલાલમાં તસ્કરો સક્રિય બન્યા હોય તેમ તાલુકાના ફાગવેલમાંથી ચાર લાખથી વધારેની રોકડ રકમની ઉઠાંતરી થતાં સનસનાટી મચી ગઇ છે.  કપડવંજ શહેરમાં દાણા રોડ પર કુબેરનગર સોસાયટીમાં રહેતા જશવંતભાઈ ચતુરભાઈ પટેલ ઇલેક્ટ્રોનિક્સ તેમજ બાંધકામને લગતા સામગ્રી વેચવાનો ધંધો કરે છે. તેઓ ગઇકાલે  પોતાના ધંધાની સાઈડ પર ગયા હતા. આ દરમ્યાન એક ગ્રાહક રોકડા રૂ.૪,૦૮,૦૦૦ આપી ગયો હતો. આ રોકડ ભરેલો થેલો તેમણે પોતાની ઈકો કારમાં મૂક્યો હતો. ત્યાર પછી તેઓ આ ઇકોકાર લઇને ફાગવેલ ગયા હતા. તેમણે પોતાની ઈકો કાર શાળાના ખુલ્લા મેદાનમાં મૂકી હતી. ત્યારે કોઈ અજાણ્યો શખ્સ કારનો કાચ તોડી  પાછળની સીટ પર મુકેલી રોકડ રકમની થેલી ઉઠાવીને ફરાર થઇ ગયો હતો. થોડા સમય પછી કાર માલિક આવ્યા ત્યારે કારનો કાચ તૂટેલો તેમજ તેમાં મુકેલ રોકડ સાથેનો થેલો ગાયબ જણાયો હતો. બનાવ અંગે જશવંતભાઈ ચતુરભાઈ પટેલ એ કઠલાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(6:06 pm IST)