Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

પ્રશ્નપત્રની ગોપનીયતા બાબતે ચકાસણી કરવા DDO કચેરીઓને તાકીદ : શિક્ષણ બોર્ડે લખ્યો પત્ર

પરીક્ષાના પ્રશ્નપત્રો સોલ્યુશન સાથે સોશિયલ મીડીયામાં ફરતા થયા હોવાની હકીકત પ્રકાશમાં આવતાં ખળભળાટ

ગાંધીનગર : ધોરણ-9થી 12ની હાલમાં ચાલી રહેલી પરીક્ષાના પ્રશ્નપત્રો સોલ્યુશન સાથે સોશિયલ મીડીયામાં ફરતા થયા હોવાની હકીકત પ્રકાશમાં આવતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. જેના પગલે રાજયના શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા દરમિયાન પ્રશ્નપત્રની ગોપનીયતા બાબતે ડીઈઓ કચેરીઓને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં પ્રશ્નપત્રની ગોપનીયતા બાબતે ડીઈઓ કચેરી દ્વારા ચકાસણી કરી પગલા લેવા માટે આદેશ કરાયો છે. આ પત્રમાં બોર્ડના પ્રશ્નપત્રનો વિકલ્પ સ્વિકાર્યો હોય તેવી સ્કૂલો જો સમયપત્રકનું પાલન કર્યું ન હોય તેવી સ્કૂલો સામે પણ કાર્યવાહી કરવા માટે આદેશ કરાયો છે.

શિક્ષણ વિભાગના ઠરાવ અનુસાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રથમ કસોટીના પ્રશ્નપત્રો સીલબંધ રીતે નોડલ ઓફીસરોને 5 ઓક્ટોબરના રોજ સુપરત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ શિક્ષણ બોર્ડ દ્વારા પત્ર દ્વારા શિક્ષણ બોર્ડ દ્વારા જે વિષયોના પ્રશ્નપત્રો શાળાઓને જિલ્લા શિક્ષણાધિકારી મારફતે મોકલવામાં આવનાર છે તે માટે શાળાઓને વિકલ્પ આપવામાં આવ્યો છે. જે શાળાઓ બોર્ડના પ્રશ્નપત્રનો ઉપયોગ પ્રથમ પરીક્ષા માટે સ્વૈચ્છિક ધોરણે કરવા માંગતી હોય તેવી શાળાઓ આ પ્રશ્નપત્રોનો ઉપયોગ કરી શકશે.

ઉપરાંત જે શાળાઓ પોતાની રીતે શાળા કક્ષાએ પ્રશ્નપત્રો તૈયાર કરવા માંગતી હોય તેવી શાળાઓ પોતાની રીતે શાળા કક્ષાએ પ્રશ્નપત્રો તૈયાર કરવા માંગતી હોય તેવી શાળા પોતાની રીતે પ્રશ્નપત્રો તૈયાર કરી શકશે તેવી છુટ આપવામાં આવી હતી. ત્યારબાદ 13 ઓક્ટોબરના રોજ બોર્ડે પત્ર દ્વારા શિક્ષણ બોર્ડ દ્વારા આપવામાં આવેલા પ્રશ્નપત્રોનો ઉપયોગ કરવાનો વિકલ્પ સ્વિકાર્યો હોય તે શાળાઓએ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા સમયપત્રક મુજબ જ પરીક્ષા લેવાની રહેશે તેવી સ્પષ્ટતા પણ કરવામાં આવી હતી.

દરમિયાનમાં રાજયમાં 18 ઓક્ટોબરથી પ્રથમ પરીક્ષા રાબેતા મુજબ શરૂ કરવામાં આવી હતી. સોશિયલ મિડીયામાં જે તે વિષયના પ્રશ્નપત્ર સોલ્યુશન સાથે વાયરલ થયા હોવાના સમાચાર પ્રસિધ્ધ થયા હોવાનું બોર્ડના ધ્યાને આવ્યું હતું. બોર્ડ દ્વારા જિલ્લા કક્ષાએ પ્રશ્નપત્રની સોફ્ટ કોપી સીલબંધ આપવામાં આવી હતી. પ્રશ્નપત્ર અન્યોના હાથમાં સરક્યુલેટ થયું છે તે ખુબ જ ગંભીર બાબત હોવાનું ગણી બોર્ડ દ્વારા પત્ર લખવામાં આવ્યો છે. જેમાં પરીક્ષાલક્ષી તમામ સાહિત્ય શાળા કક્ષાએ સીલબંધ જિલ્લા શિક્ષણાધિકારી કક્ષાએથી પહોંચાડવાની જવાબદારી છે.

જિલ્લામાં કોઈ શાળાએ બોર્ડના પ્રશ્નપત્રનો વિકલ્પ સ્વિકાર્યો હોય અને બોર્ડના સમયપત્રકનું પાલન કર્યું ન હોય તે બાબતે ડીઈઓ કક્ષાએ ચકાસણી કરી જરૂરી પગલા લેવા માટે બોર્ડ દ્વારા સુચના અપાઈ છે. ઉપરાંત પ્રશ્નપત્રની ગોપનીયતા અને વિશ્વસનીયતા ખુબજ અગત્યની હોય તે બાબતે ડીઈઓ કક્ષાએથી પગલા લેવા માટે સુચના અપાઈ છે.

(11:10 pm IST)