Gujarati News

Gujarati News

News of Sunday, 22nd November 2020

બારડોલીના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ પ્રધાન રજનીકાંત રજવાડીનું 70 વર્ષની વયે નિધન

મોદી સરકારમાં પ્રધાન રહી ચૂક્યા હતા : મુખ્યમંત્રી રૂપાણીએ ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ પાઠવી

બારડોલી: બારડોલીના પૂર્વ ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ પ્રધાન રજનીકાંત રજવાડીનું શનિવારે સવારે નિધન થયું હતું. તેઓ 70 વર્ષના હતા. ટૂંકી માંદગી બાદ બારડોલી ચાર રસ્તા ખાતે આવેલી બારડોલી હોસ્પિટલના તેમના નિવાસ સ્થાને તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. મુખ્યપ્રધાન વિજયભાઈ  રૂપાણીએ ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી

   રજનીકાંત રજવાડી 1998માં બારડોલી વિધાનસભા ક્ષેત્રમાં ભાજપમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા હતા. ત્યારબાદ 2001માં મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ  ભાઈ મોદીએ પહેલીવાર પદભાર સંભાળતા રજવાડીને ગ્રામગૃહ નિર્માણ મંત્રાલયનો સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો હતો

 આ ઉપરાંત તેઓ ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જનજાતિ વિભાગના રાષ્ટ્રીય સ્તરે મંત્રી અને ભારત સરકારના આદિજાતિ મંત્રાલય અંતર્ગત આવતા ટ્રાઇફડ (ટ્રાઇબલ કો.ઓપરેટિવ માર્કેટિંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા)ના ડિરેકટર તરીકે પણ સેવા આપી હતી.

  તેમનો જન્મ વર્ષ 1950માં થયો હતો. તેમનું મૂળ ગામ નળધરા ડુંગરી હતું અને વર્ષોથી બારડોલી સ્થાયી થયા હતા. શરૂઆતમાં ભારત સંચાર નિગમ લિમિટેડમાં નોકરી બાદ તેઓ રાજકારણમાં સક્રિય થયા હતા. તેઓ પોતાની પત્ની અને સંતાનમાં બે પુત્રી અને બે પુત્રોને વિલાપ કરતા છોડી ગયા છે

(11:27 am IST)