Gujarati News

Gujarati News

News of Sunday, 22nd November 2020

ધો. ૬-૭માં ૨૦થી ઓછી સંખ્યા ધરાવતા વર્ગોને બંધ કરી દેવાશે

આ કામગીરી અંગે પરિપત્ર કરી દેવાયો : રાજ્યના વિવિધ જિલ્લામાં શાળાઓની મર્જની કામગીરીનો પ્રારંભ : ગામ અથવા નજીકની સ્કૂલમાં વિલિનકરણ કરાશે

અમદાવાદ, તા. ૨૨ : રાજ્યમાં આવેલી પ્રાથમિક શાળાઓ પૈકી અનેક સ્કૂલોના ધોરણ ૬ અને ૭ના વર્ગો બંધ થશે. સરકારે ધોરણ ૬ અને ૭માં ઓછી સંખ્યાને કારણે નજીકની સ્કૂલોમાં મર્જ કરવાનો નિર્ણય કર્યો છે. જે શાળાઓમાં ૧થી૬ ધોરણ ચાલતા હોય ત્યાં છઠ્ઠા ધોરણના વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા ૨૦થી ઓથી હોય તો તેને બંધ કરવાનો નિર્ણય લીધો છે. એ જ રીતે જે સ્કૂલો ધોરણ ૧થી૭ની હોય અને તેના ધોરણ ૬-૭ના વર્ગોમાં વિદ્યાર્થીઓની સંખ્યા ૨૦થી ઓછી હોય ત્યાં છઠ્ઠું અને સાતમું ધોરણ બંધ કરાશે. જે શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી છે તેમને નજીકમાં આવેલી શાળામાં મર્જ કરી દેવાશે. આ કામગીરી અંગે અનેક જિલ્લાઓમાં પરિપત્ર કરી દેવામાં આવ્યો છે. ફરી રાજ્યની અનેક શાળાઓને તાળા મારીને નજીકમાં આવેલી સારી સુવિધા ધરાવતી શાળાઓમાં મર્જ કરવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે.

રાજ્યમાં હાલ ધોરણ ૧થી ૬ના વર્ગો ચાલુ હોય તેવી શાળાઓ પૈકી છઠ્ઠા ધોરણમાં વિદ્યાર્થીઓની સંખ્યા ૨૦થી ઓછી હોય ત્યાં આ વર્ગ બંધ કરવાનો રહેશે. જ્યારે જે શાળામાં ધોરણ ૬ના વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા ૨૦થી વધુ હોય તેવી શાળાઓમાં ધોરણ ૭ અને ૮ના ક્રમિક વર્ગો શરૂ કરવાના રહેશે. ઉપરાંત જે શાળાઓમાં ધોરણ ૧થી ૭ના વર્ગ ચાલતા હોય ત્યાં જે સ્કૂલમાં ધોરણ ૬-૭ના વિદ્યાર્થીઓની સંખ્યા ૨૦થી ઓછી હોય તેના વર્ગો બંધ કરવાના રહેશે. ધોરણ ૬-૭માં ૨૦થી વધુ વિદ્યાર્થી સંખ્યા હોય ત્યાં ધોરણ ૮નો ક્રમિક વર્ગ ચાલુ કરવાનો રહેશે.

પરિણામે જે પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૬ અને ધોરણ ૬-૭ના વિદ્યાર્થીઓની સંખ્યા ૨૦થી ઓછી હોય તેમને નજીકમાં આવેલી અન્ય શાળાઓમાં સમાવવામાં આવશે. જેથી આ પ્રાથમિક શાળામાં અભ્યાસકરતાં વિદ્યાર્થીઓને વધુ સુવિધાવાળી અને નજીકમાં જ વિષય શિક્ષકવાળી સ્કૂલમાં શિક્ષણ મળી રહે. તેમજ તે સ્કૂલના શિક્ષકોનો પણ મહત્તમ ઉપયોગ કરી શકાય. જેને લઈને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આ શાળાઓના વિલિનિકરણ માટે આદેશ આપવામાં આવ્યા છે.

આ આદેશ બાદ જે તે જિલ્લા દ્વારા શાળાઓના વિલિનિકરણની કામગીરી પણ શરૂ કરી દેવાઈ છે. વિલિનિકરણ માટે વિભાગ દ્વારા સૂચનો કરાયા છે. જે મુજબ પ્રાથમિક સ્કૂલનું તે જ ગામમાં આવેલી બીજી મોટી, વધુ સુવિધા ધરાવતી અથવા ગામને અનુકૂળ નજીકની ઉચ્ચ પ્રાથમિક શાળામાં વિલિનિકરણ કરવાનું રહેશે. આ શાળાઓમાં બાળકોને હુકમ મળ્યા તારીખથી નજીકની પ્રાથમિક સ્કૂલમાં દાખલ કરાવવાની જવાબદારી જે-તે શાળાના મુખ્ય શિક્ષકની રહેશે.

જે શાળામાં ઉપલા ધોરણનું વિલિનિકરણ થાય છે તે શાળાના આવા બાળકો માટે ટ્રાન્સપોર્ટેશનની જરૂરિયાત હોય તો સંબંધિત કચેરીને દરખાસ્ત મોકલવાની રહેશે. જે શાળામાં ઉપલા ધોરણનું વિલિનકરણ થાય છે તે શાાળાના શિક્ષકગણને હાલ પૂરતા વધઘટ કેમ્પ સુધી જરૂરિયાતવાળી અને સ્પષ્ટ ઘટ ધરાવતી શાળામાં હાલ પૂરતી કામગીરી આપવાની રહેશે.

(8:02 pm IST)