Gujarati News

Gujarati News

News of Sunday, 22nd November 2020

એક પરિવારના સભ્યોને એક જ હોસ્પિ.માં લઈ જવા સૂચના

કોર્પોરેશન દ્વારા મહત્વપૂર્ણ આદેશ કરાયો : દર્દીઓની ફરિયાદ થતી હતી કે અમે એક પરિવારના છે છતા ૧૦૮ દ્વારા જુદી-જુદી હોસ્પિટલમાં લઈ જવાય છે

અમદાવાદ, તા. ૨૨ : અમદાવાદમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસનો આંકડામાં ઉછાળો આવી રહ્યો છે. આવામાં કોરોનાના કેસને કાબૂમાં લાવવા માટે અમદાવાદમાં બે દિવસ માટે કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. દિવાળના તહેવારો શરુ થતા કોરોનાના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આવામાં એક જ પરિવારના સભ્યોને લેવા માટે આવતી એમ્બ્યુલન્સ તેમને અલગ-અલગ હોસ્પિટલમાં લઈ જતી હોવાની ઘટના સામે આવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે. અમપાએ એક જ પરિવારના સભ્યોને એક જ હોસ્પિટલમાં લઈ જવામાં આવે તેવી સૂચના આપી છે.

એક જ પરિવારના એક કરતા વધુ દર્દીઓને કોરોના થયા બાદ તેઓ દ્વારા ૧૦૮ને આ અંગે સૂચના આપવામાં આવે તે પછી તેમને ૧૦૮ દ્વારા નક્કી કરવામાં આવતું હતું કે તેમને કઈ હોસ્પિટલમાં લઈ જવા છે. જોકે, આમ થવાથી એક જ પરિવારના સભ્યોને અલગ-અલગ હોસ્પિટલમાં લઈ જવામાં આવતા હતા જેથી પરિવારના અન્ય સભ્યો દ્વારા તેમના સંપર્કમાં રહેવું મુશ્કેલ બનતું હતું. આ સાથે જ જો પરિવારની વ્યક્તિ વૃદ્ધ હોય તેવામાં એક જ ઘરના લોકો એક હોસ્પિટલમાં હોય તો એક બીજાની મદદે આવી શકે છે. આવી ફરિયાદોને ધ્યાનમાં રાખીને અમપા દ્વારા ૧૦૮ને તાત્કાલિક સૂચના આપવામાં આવી છે કે બને ત્યાં સુધી એક પરિવારના સભ્યોને એક જ હોસ્પિટલમાં પહોંચાડવા જોઈએ. અમપા દ્વારા આ નિર્ણયને તાત્કાલિક અસરથી લાગુ કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે. એક જ પરિવારના સભ્યો એક હોસ્પિટલ રહી શકે તે માટે જે નિર્ણય લેવામાં આવ્યો છે તેમ છતાં જો કોઈ તકલીફ ઉભી થાય તો અમપાદ્વારા ધ્યાન દોરવા અંગે જણાવ્યું છે. આ અગાઉ ડૉ. રાજીવ ગુપ્તાએ કોરોનાના દર્દીને કઈ હોસ્પિટલમાં દાખલ કરવા તે ૧૦૮ની ટીમ જ નક્કી કરશે તેની સ્પષ્ટતા કરી હતી, તેમણે જણાવ્યું હતું કે, છેવાડાના વિસ્તારોમાં કોરોના દર્દીની હાલત ગંભીર હોય તેને સિવિલ કે એસવીપી લાવવા કે ગાંધીનગર સિવિલ કે ખેડા સિવિલમાં ખસેડવા હિતાવહ છે તે ૧૦૮ની ટીમ જ નક્કી કરશે. તેમણે કહ્યું કે, અમે રાજ્ય સરકાર સાથે પરામર્શ બાદ કોરોના દર્દીઓના હિતમાં આ નિર્ણય લીધો છે. હાલ ગાંધીનગર, ખેડા તથા કરમસદ ખાતેની હોસ્પિટલમાં અમદાવાદના દર્દીઓને સારવાર અપાઈ રહી છે. ગુજરાતમાં શનિવારે રેકોર્ડ ૧૫૦૫ કેસ નોંધાયા છે. અમદાવાદ ઉપરાંત સુરત અને વડોદરામાં પણ કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે.અમદાવાદ શહેરમાં ૩૦૦થી વધુ તો સુરતમાં ૨૦૦ અને વડોદરામાં ૧૦૦થી વધુ કેસ નોંધાયા છે.

(9:21 pm IST)