Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

અમદાવાદમાં ઓક્ટોબર સુધી અકસ્માતે ૨૯૯ના મોત થયા

અકસ્માતને કારણે રોજ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો :જાન્યુઆરીથી લઈને ઓક્ટોબર સુધી દરરોજ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો અને ત્રણ ઈજાગ્રસ્ત થયા

અમદાવાદ, તા.૨૧ : પહેલી જાન્યુઆરીથી લઈને ૩૧મી ઓક્ટોબર સુધી અમદાવાદ શહેરની ટ્રાફિક પોલીસ દ્વારા રોડ ટ્રાફિક અકસ્માતમાં કુલ ૨૯૯ મૃત્યુના કેસ નોંધ્યા છે. આ સિવાય ૯૪૫ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ આંકડા પરથી કહી શકાય કે શહેરના રસ્તાઓ પર દરરોજ સરેરાશ એક વ્યક્તિ જીવ ગુમાવે છે અને ત્રણને ઈજા થાય છે. ઉલ્લેખનીય છે કે ૨૧મી નવેમ્બરને વર્લ્ડ ડે ઓફ રિમેમ્બરન્સ ફોર રોડ ટ્રાફિક વિક્ટિમ્સ તરીકે ઓળખવામાં આવે છે. આજના દિવસે દુનિયાભરમાં રસ્તા પર ટ્રાફિકને કારણે જીવ ગુમાવ્યો હોય તેવા લોકોને યાદ કરવામાં આવે છે. ત્યારે અમદાવાદ શહેરની પોલીસ દ્વારા આપવામાં આવેલા આ આંકડા અત્યંત ચિંતાજનક છે. આંકડાઓ અનુસાર, જેટલા લોકોએ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે તેમાંથી ૨૨ ટકા લોકોની ઉંમર ૨૫ વર્ષથી ઓછી હતી. ઈજાગ્રસ્ત લોકોની વાત કરીએ તો તેમાં પણ ૨૨ ટકા પીડિતોની ઉંમર ૨૫ વર્ષથી ઓછી હતી.

         નોંધનીય છે કે વર્ષ ૨૦૨૦માં માસિક મૃત્યુદર ૨૮ હતો જ્યારે વર્ષ ૨૦૧૯માં તે ૩૬ હતો. અમદાવાદ શહેરના પોલીસ કમિશનર સંજય શ્રીવસ્તાવે શુક્રવારના રોજ અહમદાબાદ ટ્રાફિક કન્સલ્ટેટિવ કમિટી(એટીસીસી) દ્વાર આયોજિત એક કાર્યક્રમમાં કહ્યુ હતું કે, શહેરની પોલીસ આ મૃત્યુદરમાં ઘટાડો લાવવા માટે પ્રતિબદ્ધ છે અને વિવિધ યોજનાઓની મદદથી શહેરના રસ્તાઓને સુરક્ષિત બનાવવામાં આવશે. તાજેતરમાં જ જાહેરાત કરવામાં આવી હતી કે માર્ગ અકસ્માતમાં ઈજા પામેલા લોકોને હોસ્પિટલ લઈ જનારા લોકોને પુરસ્કાર આપવામાં આવશે. રસ્તાઓને સુરક્ષિત બનવા માટે એન્જિનિયરિંગ, એજ્યુકેશન, એન્ફોર્સમેન્ટની સાથે સાથે હવે ઈમર્જન્સીને પણ શામેલ કરવાની જરુર છે. એટીસીસીના અધ્યક્ષ ડોક્ટર પ્રવિણ જણાવે છે કે, દર વર્ષે આ દિવસે કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જેથી સુનિશ્ચિત કરી શકાય છે કે સમયાંતકે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામતા લોકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે. માટે વાહનચાલકો, એન્ફોર્સમેન્ટ એજન્સી, તંત્ર અને આયોજતો તમામ લોકોએ મળીને નક્કર પગલા લેવાની જરુર છે. સુરક્ષાના પરિબળોને તમામ લોકો ધ્યાનમાં રાખે તે જરુરી છે. આ કાર્યક્રમમાં અર્બન પ્લાનર્સ અને માર્ગ સુરક્ષાને લગતા વિશ્લેષકો પણ હાજર હતા.

(9:01 pm IST)