Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

મારા અને પાટીલ વચ્ચે કોઈ મતભેદ નથી : વિજય રૂપાણી

રાજકોટમાં ગાયબ રહેલા વિજય રૂપાણી બોલ્યા : અમે સાથી કાર્યકર્તા તરીકે સાથે કામ કરીએ છીએ, પ્રદેશના અધ્યક્ષ તરીકે તેમની જવાબદારી છે : વિજય રૂપાણી

સુરત, તા.૨૧ : રાજકોટનું રાજકારણ અને વિજય રૂપાણીની નારાજગીની રાજકીય ચર્ચાઓએ વેગ પકડ્યું છે. પાટીલની રાજકોટ મુલાકાત દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની શહેરમાં ગેરહાજરી આંખે ઉડીને વળગી હતી. ત્યારે આજે રાજકોટ પહોંચેલા વિજય રૂપાણીએ તેમના અને પાટીલ વચ્ચે કોઈ નારાજગી નથી તેવી સ્પષ્ટતા કરી. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે સુરતમાં અલગ અલગ સામાજિક પ્રસંગોમાં હાજરી આપી હતી. મુખ્યમંત્રી પદ છોડ્યા બાદ પહેલી વખત સુરત આવ્યા હતા. હાલ જ્યારે રાજકોટના જૂથવાદના પ્રકરણ મુલાકાત પર સૌની નજર છે ત્યારે પાટીલ બાદ વિજય રૂપાણીએ આ જૂથવાદ પર ખુલાસો કર્યો. તેમણે કહ્યુ કે, મારે અને સીઆર પાટીલ વચ્ચે કોઈ મતભેદ નથી. અમારા વચ્ચે નારાજગી નથી. અમે સાથી કાર્યકર્તા તરીકે સાથે કામ કરીએ છીએ. પ્રદેશના અધ્યક્ષ તરીકે તેમની જવાબદારી છે. પ્રદેશ અધ્યક્ષને મારો સંપૂર્ણ સહકાર છે.

          સીઆર પાટીલ સાથે હું સારી રીતે કામ કરી રહ્યા છીએ. ગઈકાલે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ રાજકોટની મુલાકાતે હતા. નવા મુખ્યમંત્રીની નિમણૂંક બાદ પહેલીવાર પાટીલ રાજકોટની મુલાકાતે હતા, ત્યારે આ મુલાકાતમાં રાજકોટના ત્રણ દિગ્ગજ નેતાની ગેરહાજરીએ ચર્ચા જગાવી હતી. આ મુલાકાતમાં પૂર્વ સીએમ વિજય રૂપાણી, વજુભાઇ વાળા અને નીતિન ભારદ્વાજની ગેરહાજરી દેખાઈ હતી. આ જૂથવાદ વિશે પાટીલે ખુલાસો કર્યો હતો કે, રાજકોટમાં કોઈ જૂથવાદ નથી. રાજકોટ શહેર ભાજપનું સંગઠન મજબૂત છે.

        પડકારો આવશે તે ઝીલવા તૈયાર છે. આગામી ચૂંટણીને લગતા પડકારો છે. આગામી ચૂંટણીઓ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીની આગેવાનીમાં જ લડવામાં આવશે. વિજય રૂપાણી અમારા સ્ટાર પ્રચારક છે અને રહેશે. તો રાજકોટના સ્નેહમિલન કાર્યક્રમ બાદ સીઆર પાટીલ વજુભાઈ વાળાને મળવા પહોંચ્યા હતા. જેમાં બંને વચ્ચે અનેક મુદ્દે ચર્ચા થઈ હતી. જેમાં પાટીલે બેઠક યોજી રામ મોકરીયાને પ્રમોટ કરવાની ચર્ચા કરી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. બીજીતરફ નરેશ પટેલને પણ સામે ચલી મળવા ગયા હતા. અને તેની સાથે પણ બેઠક યોજી હતી. જેમાં ૨૦૨૨માં પણ પાટીદારોનું વર્ચસ્વ યથાવત રહે તેવી રણનીતિ ઘડાશે તેવી માહિતી સૂત્રોમાંથી મળી છે.

(8:57 pm IST)