Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

વેકસીન મુકાવ્યા વિના જ ઘણા લોકોને મેસેજ આવ્યા હોવાની નર્મદા જિલ્લામાં બુમ બાબતે પ્રભારી સચિવ અજાણ..??

સો ટાકા વેકસીન નો ટાર્ગેટ માત્ર કાગળ પર હોવાની લોકો માં ચર્ચા છે તો આ માટે તાપસ જરૂરી છે.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગુજરાતના શ્રમ આયુક્ત અને નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ પી. ભારથીએ તેમની નર્મદા જિલ્લાની મુલાકાત દરમિયાન આજે કેવડીયા સરકીટ હાઉસ ખાતે જિલ્લા વિકાસ અધિકારી પી.ડી. પલસાણા, નિવાસી અધિક કલેક્ટર એચ.કે. વ્યાસ અને જિલ્લા આરોગ્યતંત્રના વરિષ્ટ અધિકારીઓ અને તબીબો સાથે જિલ્લામાં કોવિડ પ્રતિરોધક રસીકરણ ક્ષેત્રે પ્રથમ અને બીજા ડોઝમાં આજ દિન સુધી થયેલી કામગીરીની આંકડાકીય વિગતો સાથે વિસ્તૃત ચર્ચા-વિચારણા સાથે ઝીણવટભરી સમીક્ષા કરી હતી અને કોવિડ રસીકરણના બીજા ડોઝની કામગીરી સમયસર અને ઝડપથી પૂર્ણ થાય તે અંગે “ટીમ નર્મદા” ને તેઓએ જરૂરી માર્ગદર્શન પણ પુરૂં પાડ્યું હતું.

 પી. ભારથી એ જિલ્લા વહિવટી-આરોગ્યતંત્રની સુંદર કામગીરીને બિરદાવી તેમને અભિનંદન આપ્યાં હતાં.  
     
બેઠકમાં જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી સમગ્ર નર્મદા જિલ્લાની તાલુકા વાઇઝ  અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાઇઝ કોવિડ વેક્સીનેશનના પ્રથમ  અને બીજાડોઝમાં થયેલી કામગીરી અને બીજા ડોઝના રસીકરણ માટેના એલિજીબલ લાભાર્થીઓ, વેક્સિનના જથ્થાની ઉપલબ્ધિ, કોવિડ વેક્સિનેશનના પ્રથમ ડોઝમાં ૧૦૦ ટકા કવરેજ વાળા ગામો અને “હર ઘર દસ્તક” ના આયોજન અંતર્ગત સંલ્ગન કામગીરી તેમજ કોરોના મહામારીની સંભવતઃ ત્રીજી લ્હેર સામે જરૂરી તકેદારી સાથે જિલ્લા પ્રસાશન - આરોગ્યતંત્ર દ્વારા કરાયેલા આગોતરા આયોજન સંદર્ભની પૂર્વ તૈયારીઓ અંગે જરૂરી ચર્ચા-વિચારણા કરાઇ હતી
નર્મદા જિલ્લામાં ઘણા બધા લોકો એ રસી લીધા વિનાજ બીજો ડોઝ લીધા હોવાના મેસેજો આવી ગયા હોવાની બૂમ ઉઠી છે અને સર્ટી પણ બની ગયા ની બાબત અવાર નવાર સામે આવી છે ત્યારે તંત્ર દ્વારા રસીકરણ ના આંકડા ઓનલાઈન બતાવવા ની લ્હાય માં ટાર્ગેટ પૂરો કરાયો હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે, બીજું તરફ રસી આપ્યા વિના જ સર્ટીઓ બની ગયા હોય તો આ રસી ક્યાં ગઈ ? શુ આમાં કોઈ ભ્રષ્ટાચાર થયો હશે..?તેવી જિલ્લામાં ભારે ચર્ચા લાંબા સમયથી સંભળાઈ રહી છે ત્યારે શું પ્રભારી સચિવ આ બાબત થી વાકેફ છે કે કેમ તે પણ એક સવાલ છે.

(10:35 pm IST)