Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

પોલીસ કર્મયોગીને રહેવા માટે મકાનો આપવા હાઉસીંગ પોલિસી બનાવશે રાજ્ય સરકાર : ગૃહમંત્રી હર્ષ સંઘવી

રાજયમાં ૬૩ દિવસમાં ૬૭ કેસોમાં ૧૩૫૦ કરોડનુ ડ્રગ્સ પકડીને ગુજરાત પોલીસે શ્રેષ્ઠ કામગીરી કરી:સુરત શહેર પોલીસ દ્વારા ગૌરવ સમારોહ યોજાયો, 36 કેટેગરીમાં એવોર્ડ અપાયા

સુરત શહેરમાં પોલીસના ઝાંબાજ કર્મયોગીઓએ કરેલી ઉત્તમ કામગીરી બદલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સાંસદ સી. આર.પાટીલ તથા અન્ય મહાનુભાવોના હસ્તે પોલીસ શૌર્ય પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે ગૃહરાજયમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજયએ સમગ્ર દેશમાં પ્રથમ વાર ડ્રગ્સ રીવોર્ડ પોલીસી બનાવવાનુ કાર્ય કર્યું છે.

કોરોના કપરા કાળ દરમિયાન પોલિસ જવાનોએ ખડેપગે રહીને કરેલી કામગીરીને યાદ કરીને સૌ પોલીસ જવાનોને અભિનંદન પાઠવ્યા હતા. આ તકે તેમણે ટ્રાફિક નિયમ તોડનારા નાગરિકો સાથે માનવતાપૂર્વક વ્યવહાર કરવાની ટકોર પણ કરી હતી. પોલીસ સ્ટેશનમાં આવતા સામાન્ય માનવી સાથે સારો સાલશભર્યો વ્યવહાર થાય તે જરૂરી હોવાનું તેમણે કહ્યું હતું. રાજયમાં ૬૩ દિવસમાં ૬૭ કેસોમાં ૧૩૫૦ કરોડનુ ડ્રગ્સ પકડીને ગુજરાત પોલીસે શ્રેષ્ઠ કામગીરી કરી છે.

રાજયની શાંતિ, સલામતી અને સુરક્ષાએ ગુજરાતની પોલિસને આભારી છે. તેમણે કહ્યું કે, આગામી સમયમાં પોલીસ કર્મયોગીને રહેવા માટે મકાનો મળી રહે તે માટે હાઉસીંગ પોલિસી બનાવવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ. પોલીસની કોઈ મુશ્કેલીઓને હશે તે તેનું સુખદ નિરાકરણ લાવવામાં આવશે તેમ મંત્રીએ જણાવ્યું હતું.

આ પ્રસંગે સાંસદ સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, પોલીસ કર્મયોગીઓ નોકરી દરમિયાન અને રિટાયર્ડ થયા બાદ રહેવા માટે મકાનો મળે તે દિશામાં પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સાયબર ક્રાઇમ ડિટેકશન કરવા માટે અદ્યતન ટેકનોલોજી સાથેના સાધનો સુરતને મળે તે માટે વ્યવસ્થા કરવામાં આવશે.

ગુજરાતમાં ૨૬ હજાર નવી પોલીસ ભરતીઓ સંપૂર્ણ પારદર્શિતા સાથે થાય તે માટે પણ કાર્ય થઈ રહ્યું છે. જો પોલીસ જવાનોના પ્રશ્નો હશે તો તેનું ચોક્કસ નિરાકરણ કરવામાં આવશે તેવી હૈયાધરપત તેમણે આપી હતી. આગામી સમયમાં નવી ટી.પી.સ્કીમો પડે ત્યારે પોલીસ સ્ટેશન માટેની જગ્યાની પણ ફાળવણી થાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવનાર હોવાનું સાંસદએ જણાવ્યું હતું.

(11:56 pm IST)