Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

ગુજરાતમાં ડ્રગ્સની ઘુસણખોરીમાં શાસકો સાથે જોડાયેલ મોટામાથાઓની સંડોવણી

ગુજરાતમાં ડ્રગ્સ નેટવર્કને અંકુશ કરવા અને તપાસની માંગ સાથે રાજ્યપાલને કોંગ્રેસના ધારાસભ્યોનું આવેદન દારૂબંધી છતાં ૨ વર્ષમાં ૨૦૦ કરોડથી વધુનો દારૂ ઝડપાયો : ભાજપ સરકારના શાસકોની નિતીના કારણે યુવા પેઢી બરબાદ

રાજકોટ : ગુજરાતમાં ડ્રગ્સનું જે નેટવર્ક વધતું જઇ રહ્યું છે તેની સામે તાત્કાલિક કડક અંકુશ આવે એ માટેની કાર્યવાહી કરવા અને તપાસ બાબતે રાજ્યના રાજ્યપાલશ્રીને કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું જે તસ્વીરમાં નજરે પડે છે.

રાજકોટ, તા. ૨૨ :. ગુજરાતમાં ડ્રગ્સ નેટવર્કને અંકુશ કરવા અને તેમા સંડોવાયેલાની તપાસ કરવાની માંગ સાથે આજે કોંગ્રેસના ધારાસભ્યોએ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીને આવેદનપત્ર પાઠવ્યુ હતુ.

આ તકે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા, વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી, અર્જુનભાઈ મોઢવાડીયા, ભરતસિંહ સોલંકી, વિરજીભાઈ ઠુંમર સહિતના આગેવાનો જોડાયા હતા.

આવેદનપત્રમાં વધુમાં જણાવ્યું છે કે, ગાંધી- સરદારની ભૂમિ ગુજરાત સુખ, શાંતિ, સલામતી અને એકતા માટે સમગ્ર વિશ્વમાં આગલી ઓળખ ધરાવે છે. ગુજરાતમાં દારૂબંધીનો પણ કાયદો છે પરંતુ તેની અમલવારીમાં રાજયની ભાજપ સરકાર સદંતર નિષ્ફળ નિવડી છે તથા રાજયનો એક- એક વ્યકિત આ કાયદાની શું જમીની હકીકત છે તે જાણે છે. છેલ્લા છ મહિનાની અંદર જ ગુજરાતમાં ૨૫ હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે જેમાં શાસકો સાથે જોડાયેલા મોટા માથાઓની સામેલગીરીને સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે, છપ્પનની છાતીની વાતો કરનારા શાસકો ગુજરાતની સરહદો સાચવવામાં પણ સંપૂર્ણ નિષ્ફળ રહ્યા છે. ગુજરાતમાં નશાબંધી હોવા છતાં છેલ્લા બે વર્ષમાં રાજયમાં ૨૦૦ કરોડથી પણ વધારે રકમનો દારુ પકડાતો હોય, દરરોજ લગભગ ત્રીસ લાખ રૂપિયાનો દારૂ પકડાતો હોય, જે રાજયમાં ભાજપ સરકારના શાસકોની હપ્તાખોરીના લીધે ગુજરાતની યુવા પેઢી બરબાદ થઇ રહી છે.

ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓના ચાલી રહેલા આયોજનબદ્ઘ નેટવર્ક માટે કયાંક ને કયાંક ભાજપના હપ્તાખોર શાસકો જવાબદાર  છે. મોંઘા શિક્ષણ, બેરોજગારીથી ઝઝૂમી રહેલા ગુજરાતના શિક્ષિત, સક્ષમ યુવાનોથી રાજયને સમૃદ્ઘ બનાવવાનું હોય, વિકસિત બનાવવાનું હોય તેના સ્થાને તેને અવળા રસ્તે નશાના રવાડે ચડાવવાનું ષડ્યંત્ર ચાલી રહ્યું છે. ગુજરાત સરકારના ભાજપના શાસકો પોતાની હપ્તાખોરીની લાલચને કારણે, સામેલગીરીના કારણે ડ્રગ્સ માફિયાઓના નેટવર્કને રોકવામાં, નાથવામાં આંખ આડા કાન કરીને રાજયની યુવાપેઢીને બરબાદ કરવાના કાવતરાઓમાં ભાગીદાર અને કારણભૂત બની રહ્યા છે. રાજયના કોલેજો- યુનિવર્સીટી અને ઇન્સ્ટીટયુટ વિસ્તારોમાં ખુલ્લેઆમ ડ્રગ્સ વેચાઈ રહ્યા છે, યુવા પેઢીને નશાખોરીના રસ્તે આગળ લઇ જવાનું ષડ્યંત્ર ચાલી રહ્યું છે તેને રોકવામાં નથી આવી રહ્યું. તો બીજીતરફ ગુજરાતમાં ૧૪૪ દેશના સૌથી લાંબા ૧૬૪૦ કિમીના દરિયાકિનારા પર ૧૪૪ નાના મોટા ટાપુઓ આવેલા છે, તેવી પરિસ્થિતિમાં દરિયાકિનારાની સુરક્ષા માટે માત્ર ૨૨ મરીન પોલીસ સ્ટેશન અને ફકત ત્રીસ જ ઇન્ટરસેપ્ટર બોટ છે, એક મરીન પોલીસસ્ટેશનેથી સરેરાશ ૭૨ કિમીના દરિયાકિનારાનો વિસ્તાર સાચવવો પડી રહ્યો છે. ગુજરાતકરતાં ઘણો ઓછો દરિયાકિનારો અને પાકિસ્તાનથી દૂર હોવા છતાં મહારાષ્ટ્ર, તામિલનાડુ, કર્ણાટકથી વધુ મરીન પોલીસ સ્ટેશન છે, જયારે પાકિસ્તાનને અડીને આવેલા ગુજરાતમાં મરીન પોલીસ સ્ટેશનની સંખ્યા તો ઠીક સંસાધનો અને ઈન્ફ્રાસ્ટ્રકચરનો પણ અભાવ છે. પરિણામે, પૂરતી સુરક્ષાના અભાવે ગુજરાતનોદરિયાકિનારો ડ્રગ્સ માફિયાઓ માટે સ્વર્ગ સમાન બની ગયો છે. ૨૧ સપ્ટેમ્બરે પોરબંદર નજીકથી રૂ.૧૫૦ કરોડનું ડ્રગ્સ અને એ જ દિવસે રૂ.૨૧,૦૦૦ કરોડનું ડ્રગ્સ મુંદ્રા/અદાણીપોર્ટ પરથી ઝડપાયું હતું. ૧૫ નવેમ્બરે મોરબીમાં ૬૦૦ કરોડનું ડ્રગ્સ પકડાયું હતું, ૧૦ નવેમ્બરે દ્વારકાથી ૩૫૦ કરોડનું ડ્રગ્સ પકડાયું હતું આ તમામ ડ્રગ્સ પાછળ વિદેશી કનેકશનનો ઘટસ્ફોટ થયો હોવા છતાં ગુજરાતના દરિયાકિનારાની સુરક્ષા આજે પણ ભગવાન ભરોસે છે.

ગુજરાતને જો સમૃધ્ધ - વિકસીત રાજય બનાવી અને આવનારા દિવસોમાં ગુજરાતની પેઢીઓને સમૃધ્ધ બનાવવી હશે તો ગુજરાતમાં ડ્રગ્સનું જે નેટવર્ક વધતું જઈ રહ્યું છે તેની સામે તાત્કાલીક કડક અંકુશ આવે તે માટેની જરુરી કાર્યવાહી કરવામાં આવે, એ માટેની જરુરી વ્યવસ્થાઓ કરવામાં આવે અને ગુજરાતમાં એવા તો કોણ લોકો છે કે જેમના ડ્રગ્સના કનેકશન છેક તાલિબાન સાથે જોડાયેલા છે ? એની પણ તપાસ થવી જોઈએ. તેવી અમારી આપ શ્રી સમક્ષ માંગણી કરીએ છીએ..

ડ્રગ્સ પકડવાની બાબતોમાં અનેક દિવસો થયા હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી નથી થઈ રહી, સરકારમાં બેઠેલા લોકોની મીલીભગત છે તેથી આપની કક્ષાએ એક તપાસપંચ નીમવામાં આવે, હાઈકોર્ટના સિટિંગ જજની દેખરેખમાં તપાસ થાય. ગુજરાતની ભાવિ પેઢી માટે ખૂબજ ચિંતાનો વિષય છે. દરેક પરિવાર સાથે જોડાયેલો વિષય છે તેથી તેની ન્યાયિક તપાસ થાય તે માટે આપની કક્ષાએથી યોગ્ય આદેશ આપવા માંગણી કરી છે.

(3:32 pm IST)