Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

ગાંધીનગર નજીક વાહન ચેકીંગ દરમ્યાન પોલીસે બસમાં મુસાફરને તમંચા સહીત કારતુસ સાથે ઝડપી પાડયો

ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક હિંમતનગર-ચિલોડા હાઈવે ઉપર ગઈકાલે રાત્રે વાહનચેકીંગ દરમ્યાન ચિલોડા પોલીસ એક બસમાં તપાસ કરી રહી હતી ત્યારે તેની બારીમાંથી એક મુસાફર નાસી ગયો હતો. પોલીસે પીછો કરવા છતાં તે હાથ આવ્યો નહોતો. બસમાં તેના થેલામાં તપાસ કરતાં એક તમંચો અને પાંચ કારતુસ મળી આવ્યા હતા. ઉત્તરપ્રદેશનો આ મુસાફર અમદાવાદ મેમ્કો ઉતરવાનો હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું છે.  

ગાંધીનગર જિલ્લામાં પ્રવેશતા વાહનોના ચેકીંગ માટે નાકાપોઈન્ટ ઉભા કરવામાં આવ્યા છે ત્યારે ચિલોડા હિંમતનગર હાઈવે ઉપર ચંદ્રાલા પાસે પોલીસ રાજસ્થાન તરફથી આવતાં વાહનોનું સતત ચેકીંગ કરી રહી છે. ત્યારે ગઈકાલે રાત્રે હિંમતનગર તરફથી આવતી આરજે-૧૮-ટીએ-૯૨૯૫ નંબરની લકઝરી બસને ઉભી રાખી તેમાં તપાસ શરૃ કરી હતી. આ દરમ્યાન જ સીટ નં.એસ-૧૭ની બારીમાંથી એક મુસાફર કુદીને ભાગવા લાગ્યો હતો. જેથી પોલીસે નીચે ઉતરીને આ મુસાફરનો પીછો કર્યો હતો પરંતુ તે હાથમાં આવ્યો નહોતો. તેની સીટમાં રહેલા થેલામાં તપાસ કરતાં પોલીસને એક તમંચો અને પાંચ જેટલા જીવતા કારતુસ મળી આવતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે થેલામાં તપાસ કરતાં ડ્રાઈવીંગ લાયસન્સ મળી આવ્યું હતું. જેમાં આ યુવાન રીન્કુ બ્રીજરાજસિંહ યાદવ રહે.ખીતોરા તા.બકવેલ જિ.ઈટાવા ઉત્તરપ્રદેશ હોવાનું બહાર આવ્યું હતું. કંડકટરને પુછતાં આ મુસાફર ઉત્તરપ્રદેશના કાનપુરથી બસમાં બેઠો હતો અને અમદાવાદના મેમ્કો ઉતરવાનો હતો. હાલ તો પોલીસે ભાગી છુટેલા આ યુવાનની શોધખોળ આદરી છે. તેના પકડાયા બાદ જ માલુમ પડશે કે આ હથિયાર શેના માટે લાવવામાં આવ્યા હતા.

(5:54 pm IST)