Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

વડોદરાના જાંબુવા બ્રિજ નજીક સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં દાદા- પૌત્રના કમકમાટીભર્યા મોત

વડોદરા: શહેરનાજાંબુવા બ્રિજ પર આજે સવારે થયેલા અકસ્માતમાં  મોપેડ પર જતા દાદા અને પૌત્રના કરૃણ મોત થયા હતા.હાઇવે પર  આ સ્થળે રોડ સાંકળો થઇ જવાના કારણે સંખ્યાબંધ લોકોએ જીવ ગુમાવ્યો છે.તેમછતાંય બ્રિજ પરનો રોડ પહોળો કરવામાં આવતો નથી.તેના કારણે અવારનવાર વાહનચાલકોને જીવ ગુમાવવાનો વારો આવે છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,શહેર નજીકના મારેઠા ગામે રહેતા ૬૦ વર્ષના ઠાકોરભાઇ ખોડાભાઇ પાટણવાડિયા ખેતીકામ કરે છે.તેમના પત્ની જશોદાબેનનું પાંચ મહિના પહેલા અવસાન થયું હતું.તેઓ પુત્ર સાથે રહે છે.ગઇકાલે બપોરે તેઓ છ વર્ષના પૌત્રને લઇને શિનોર તાલુકાના મિંઢોળ ગામે રહેતા દીકરી જમાઇના ઘરે મોપેડ લઇને ગયા હતા.અને આજે સવારે તેઓ ઘરે પરત આવતા  હતા.જાંબુવા નદીના બ્રિજ પર પાછળથી આવતી ટ્રકના ચાલકે ટક્કર મારતા બંનેને ગંભીર ઇજા થઇ હતી.ઠાકોરભાઇનું સ્થળ  પર જ  કમકમાટીભર્યુ મોત થયું હતું.જ્યારે છ વર્ષના માસુમને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો.પરંતુ,સારવાર મળે તે પહેલા જ તેનું પણ મોત નિપજ્યું હતું.અકસ્માતના પગલે ટ્રક છોડીને ભાગી ગયેલા ડ્રાયવર સામે મકરપુરા પોલીસે  ગુનો દાખલ કર્યો છે.

(6:01 pm IST)