Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

વાઈબ્રન્ટ ગુજરાત સમિટને સફળ બનાવવા કવાયત શરૂ

વાઈબ્રન્ટ ગુજરાતને લગતા MOU કરાયા : વાઈબ્રન્ટ ગુજરાતના રોડ શો શરૂ થશે : દિલ્હી-મુંબઈમાં થનારા રોડ શોમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ભાગ લેશે

ગાંધીનગર, તા.૨૨ : વાઈબ્રન્ટ ગુજરાત સમિટને સફળ બનાવવા સરકારે કવાયત શરૂ કરી છે. જેમાં આજે વાઈબ્રન્ટ ગુજરાતને લગતા MOU કરાયા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરીમાં MOU કરાયા છે. તો બીજી તરફ આ સપ્તાહથી જ વાઈબ્રન્ટ ગુજરાતના રોડ શો શરૂ થશે. દિલ્હી અને મુંબઈમાં થનારા રોડ શોમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ભાગ લેશે. તેમજ મંત્રીઓ અને અધિકારીઓના વિવિધ ડેલિગેશન ૨૬ નવેમ્બરથી અલગ અલગ દેશોના પ્રવાસે જશે. ઉદ્યોગ વિભાગના મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાએ માહિતી આપતા જણાવ્યું કે, ૧૦ મા વાઈબ્રન્ટ સમિટની શરૂઆત આજથી થઈ છે. ૧૦ જાન્યુઆરી, ૨૦૨૨ ના રોજ વડાપ્રધાનના હસ્તે તેનુ ઉદઘાટન થશે. ગત તમામ વાઈબ્રન્ટ સમિટ કરતા આ સમિટ અલગ હશે. કારણ કે, મહામારી બાદ પહેલી મોટી ઈવેન્ટ છે. વાઈબ્રન્ટ સુધી ૧૦ જેટલી પ્રિવાઈબ્રન્ટ ઈવેન્ટ યોજાશે.  તેમણે વધુમાં જણાવ્યુ કે, ટેક્સટાઇલ, હેલ્થ, શિક્ષણ, એક્સપોર્ટ પર આંતરરાષ્ટ્રીય સેમિનાર થશે. I create વાઈબ્રન્ટની સૌથી મુખ્ય ઈવેન્ટ હશે. ૧૦ જાન્યુઆરીએ પ્રધાનમંત્રી ગ્લોબલ એક્ઝિબિશનનું ઉદ્દઘાટન કરશે.

          પીએમ સાથે અલગ અલગ દેશોના પ્રતિનિધિઓની રાઉન્ડ ટેબલ કોન્પરન્સ થશે. આત્મનિર્ભર ગુજરાત થી આત્મનિર્ભર ભારતની થીમ પર આ ૨૦૨૨ ની વાઈબ્રન્ટ સમિટ યોજાનાર છે. વાઈબ્રન્ટ સમિટમાં અત્યાર સુધી MOU નો સ્ટ્રાઈક રેટ ૭૦% થી વધુનો છે. કુલ ૧૫ થી વધુ દેશોને પાર્ટનર કન્ટ્રી માટે આમંત્રણ અપાયું છે.

૧૦ મી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ માટે ૨૦ MOU મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરીમાં થયા છે. જે ૨૪ હજાર કરોડથી વધુના MOU કરાયા છે. આ સમિટ થકી ૩૭ હજારથી વધુ રોજગારીની તકો ઉભી થશે. તો આ સમિટ અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે, સરકાર તરફથી એસ્યોરન્સ આપું છું કે તમને કોઈ તકલીફ નહીં પડે. તમે જે MOU કર્યા છે તે સમયસર શરૂ કરવાની તમારી જવાબદારી છે. વાઈબ્રન્ટ સમિટમાં થયેલા MOU સાકાર થવા જરૂરી છે. ગુજરાત સરકાર આપની સાથે રહીને કામ કરશે.

વાઈબ્રન્ટ ગુજરાત અંતર્ગત ૨૫ નવેમ્બરે દિલ્હીમાં ૨ ડિસેમ્બરે મુંબઈમાં રોડ શો યોજાશે. લખનઉ, ચેન્નાઇ, હૈદરાબાદમાં પણ રોડ શો થશે. તો અમેરિકા, જર્મની, નેધરલેન્ડ, યુકે, જાપાનમાં પણ રોડ શો થશે.

(7:21 pm IST)