Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

GSSSBની પરીક્ષાની તારીખ જાહેર: 13 ફેબ્રુઆરીએ યોજાશે કારકુન વર્ગ-3 સંવર્ગની પરીક્ષાઓ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલયની તૈયારી કરતાં ઉમેદવારો માટે મહત્વની જાહેરાત

અમદાવાદ : લોકરક્ષક દળથી ભરતી જાહેરાત બાદ તમામ પ્રકિયાઓ પૂરજોશથી ચાલી રહી છે. ત્યારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલયની તૈયારી કરતાં ઉમેદવારો માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે.

વર્ગ 3 માટે ભરતી પરીક્ષાની તારીખો જાહેર કરી નાખવામાં આવી છે. બિન સચિવાલય કારકુન વર્ગ-3 સંવર્ગ તેમજ સચિવાલય માટે ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-3ની પરીક્ષાનું આયોજન 13 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવ્યું છે. જે માટે બપોરે 12 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીનો સમય રાખવામાં આવ્યો છે. પરીક્ષાના 15 દિવસ અગાઉ કોલલેટર ડાઉનલોડ કરી શકાશે. એટલે કે 29 જાન્યુઆરીથી કોલલેટર કાઢવાની પ્રક્રિયા શરૂ થઇ શકે.

  અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારાઆ ગુજરાત સરકારના વિવિધ ખાતાની વડા કચેરીઓ તેમજ મહેસૂલ વિભાગના હેઠળની કલેકટર કચેરીઓ માટે કારકુન વર્ગ 3 અને સચિવાલય વિભાગ માટે ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ 3 માટે ઓકટોબર 2018માં જાહેરાત બહાર પાડવાંમાં આવી હતી. જેનો જાહેરાત ક્રમાંક 150/2018-19 અને 1/6/2019 તેમજ 16/11/2019ની સુધારા જાહેરાત પેટે હવે આ પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. કોરોનાકાળને કારણે મહત્વની ઘણી બધી ભરતીઓ પેન્ડિંગ છે અથવા તો જાહેરાત થઇ છે આવવાની બાકી છે આથી હવે એક બાદ એક વ્યવસ્થિત રીતે મેનેજ કરી ભરતીની તારીખો જાહેર કરવામા આવી રહી છે. 2018માં જાહેર થયેલી આ ભરતીની તારીખો હવે જાહેર થતાં લાંબા સમયથી તૈયારી કરતાં ઉમેદવારોમાં ખુશીની લાગણી છે.

(7:45 pm IST)